કાલે અમિત શાહ ઝાંઝરકાથી ગૌરવ યાત્રાને આપશે લીલી ઝંડી: 145 સ્થળોએ જાહેરસભા યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા આજથી આગામી ર0મી ઓકટોબર સુધી ગુજરાત ગૌરવ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાએ આજે સવારે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી ખાતેથી ગૌરવ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. જે માતાના મઢ સુધી જશે દરમિયાન બપોરે દેવભૂમિ દ્વારકા ખાતેથી ગૌરવ યાત્રાના બીજા રૂટનો આરંભ કરાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કાલે ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપશે. ગૌરવ યાત્રા દરમિયાન 145 જેટલી જાહેરસભાઓ યોજાશે.
ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી દાનવે રાવસાહેબ, ધર્મેન્દ્ર પ્રધાન, પુરૂષોતમભાઇ રૂપાલા, ડો. મનસુખ માંડવીયા, ડો. સંજીવકુમાર બાલ્યાન, હરદિપપુરી પ્રહલાદ મોદી, સર્વાનંદ સોનોવાલ, રાવ ઇન્દ્રજીતસિંહ, ભુપેન્દ્ર યાદવ, પિયુષ ગોયેલ, અનુરાગ ઠાકુર, કૈલાસ ચૌધરી, ડો. મહેન્દ્ર મુંજપરા, ગજેન્દ્રસિંહ શેખાવત અને ડો. ભાગવત કરાડ જોડાશે આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુજરાત ગૌરવ યાત્રાને લીલીઝંડી આપી હતી.
દરમિયાન આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોટાદના ઝાંઝરકા સવૈયાનાથની સમાધિ જગ્યાએ પુજન કરી યાત્રા સવારે 11 કલાકે પ્રસ્થાન કરશે. તા.ર0 ઓકટોબર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરી યાત્રા સમાપ્ત થશે. અંદાજે 1070 કી.મી. ની યાત્રા બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ વિધાનસભા વિસ્તારોના ગામો અને વોર્ડમાં પરિભ્રમણ કરશે. યાત્રા દરમ્યાન 75 થી વધુ સ્થળ પર સ્વાગત થશે અને ર1 જગ્યા પર જાહેર સભા થશે.
પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની માર્ગદર્શનમાં યોજનાર આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી રાજયના મંત્રીઓ, પ્રદેશના પદાધિકારીઓ જોડાઇને ગૌરવ પૂર્ણ વિકાસના કામોની માહીતી લઇ અલગ અલગ જીલ્લાઓ શહેરમાં પ્રવાસ થકી જનતાના આશીર્વાદ લેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અનેક વિધ વિકાસલક્ષી કાર્યો કર્યા છે.
13 થી ર0 ઓકટોબર દરમ્યાન ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, ડો. ભરતભાઇ બોધરા, પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પૂર્વ રાજય સરકાર મંત્રી ગણપત વસાવા, કિશાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઇ જેબલીયા પ્રદેશ મંત્રી ઝવેરભાઇ ઠકરાર, પ્રદેશ બક્ષીપંચ પ્રમુખ ઉદય કાનગડ, અતુલભાઇ બ્રહ્મભટ્ટ, સુરેશભાઇ ગોધાણી યાત્રા સાથે જોડાયેલા રહેશે.