વરસાદ ખેંચાય તો પણ પાણીની તકલીફ નહીં પડે: ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેમ ઝડપથી ભરાવા લાગ્યો, સાથે સાથે દરરોજ રૂ.૪ કરોડની વીજળીનું પણ થઈ રહેલું ઉત્પાદન
ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી ચૂકી છે. તે સાથે જ લાંબા સમય સુધી સતાવતો પાણી પ્રશ્ર્ન ઉકેલાઈ જાય તેવી અપેક્ષાઓ છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ છલકાવા જઈ રહ્યો છે. વર્તમાન સમયે નર્મદા ડેમની સપાટી ૧૨૭.૪૬ મીટર હોવાનું જાણવા મળે છે. નર્મદા ડેમની મહત્તમ ક્ષમતાથી પાણી માત્ર ૧૧ મીટર જ ઓછુ છે. એટલે એમ કહી શકાય કે, નર્મદા ડેમ છલકુ… છલકુ… છે. ગમે ત્યારે ડેમ છલકાય તેવી સ્થિતિ છે.
નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ ૨૭૦૦ મીલીયન ક્યુબીક મીટર જેટલો છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્ર્વર અને ઈન્દિરા સાગર ડેમમાંથી આવેલું પાણી નર્મદા ડેમમાં ઠલવાયું છે. જેનાથી પરિણામે નર્મદા ડેમમાં પાણીની સપાટી દિન-પ્રતિદિન ઝડપથી વધી રહી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના ડાયરેકટર પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં પાણી ૧૨૭.૪૬ મીટરની સપાટીએ પહોંચી ચૂકયું છે. નર્મદા ડેમનું લેવલ ૧૩૮.૬૮ મીટરનું છે. જેથી હવે ૧૧.૨૨ મીટર પાણી ભરાઈ જશે ત્યારે નર્મદા ડેમ છલકાઈ જશે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં નર્મદા ડેમ છલકાઈ ગયો હતો. કેવડીયામાં નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ગત સપ્ટેમ્બર મહિનામાં પાણીની સપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી હતી. હજુ જુન મહિનો ચાલુ છે અને ડેમ છલકાવાની અણી ઉપર છે. ડેમમાં આવેલા પાણીના કારણે વરસાદ ખેંચાશે તો પણ સૌરાષ્ટ્ર સહિતના અનેક ક્ષેત્રોને વાંધો નહીં આવે તેવી આશા રાખવામાં આવી છે. નર્મદા કેનાલ નજીક આવેલા વિસ્તારમાં પુરતુ પાણી મળી જશે. ચાલુ વર્ષમાં મેઘરાજાની પધરામણી મોડી થશે તો પણ ખેડૂતોને તકલીફ નહીં પડે.
નર્મદા ડેમમાં ભરપુર પાણીના કારણે વર્તમાન સમયે દરરોજ ૨ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન પણ શકય બની રહ્યું છે. નદી આધારીત ૫ પાવર હાઉસ, ૧૦૦૦ મેગા વોટ વીજળી જ્યારે કેનાલના પાવર હાઉસ ૧૦૦ મેગા વોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યાં છે. ડેમમાં ૪૦,૦૦૦ ક્યુસેક પાણીનો ફલો આવી રહ્યો છે. વર્તમાન સમયે નદી અને કેનાલ આધારીત પાવર હાઉસ દરરોજ ૧.૭ થી ૨ કરોડ યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે જેની કિંમત ૩.૫ કરોડથી ૪ કરોડ વચ્ચેની હોવાનું જાણવા મળે છે.
સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્નો તો ‘કલ્પસર’ જ ઉકેલી શકે
સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન કોઈથી અજાણ્યો નથી. આ પ્રશ્નને ઉકેલવા માટે મુખ્યમંત્રી રૂપાણી સહિતના આગેવાનોએ રાત-દિવસ એક કરી નાખ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન તો કલ્પસર યોજનાથી જ ઉકેલાઈ શકે તેવું તજજ્ઞનું માનવું છે. ૨૯ વર્ષ પહેલા ડો.અનિલ કાણે દ્વારા જોવામાં આવેલું સ્વપ્ન કયારે સાકાર થશે તેનો પત્તો નથી. ખંભાતના બન્ને કિનારાને જોડતી કલ્પસર યોજનાના કારણે સૌરાષ્ટ્રને ફાયદો થઈ શકે તેમ છે. ૧૯૮૯માં કલ્પસરનો પ્રથમ પ્લાન તૈયાર થયા બાદ આજ સુધી નોંધપાત્ર પગલા લેવાયા નથી. ટાટા, રીલાયન્સ કે બિરલા જેવી કંપનીઓ પણ આ યોજના સાકાર કરવા સાથ આપવા તૈયાર હતી. સૌરાષ્ટ્રના રકાબી જેવા ભૌગોલીક આકારને કારણે પમ્પીંગ કરી પાણી મેળવવું પડે છે. જો કે, કલ્પસર યોજના સાકાર થાય તો સૌરાષ્ટ્રને કુદરતી રીતે પાણી પૂરું પાડી શકાય તેમ છે.