અટવાયેલા પ્રોજેકટમાં ગ્રાહકોને મળશે રક્ષણ: બેંકોની જવાબદારી ફિકસ કરાશે
ધ ઈન્સોલ્વેન્સી એન્ડ બેન્ક્રપ્ટસી બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા બિલ્ડરો માટે નાદારીના કાયદાઓમાં ધરખમ ફેરફાર કરવામાં આવતા ઘર ખરીદનારાઓ માટે રાહત થશે. જે.પી.ઈન્ફ્રાટ્રેક જેવી કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે થયેલા વિશ્ર્વાસઘાતના આક્ષેપો બાદ હવે સરકારે આ મુદ્દે નિયમો કડક બનાવવાની તૈયારી શરૂ કરી છે.
ગત અઠવાડિયે નાદારીની પ્રક્રિયાઓ સંભાળનાર રેગ્યુલેટરે આ મામલે બેંકોને પણ વચ્ચે રાખવાની તૈયારી દર્શાવી છે.
માત્ર પોતાના સ્વાર્થ ખાતર ગ્રાહકો સાથે થતા વિશ્ર્વાસઘાતના કિસ્સામાં બેંકો ફસી શકે નહીં. બિલ્ડરો હાથ ઉંચા કરી દે તેવા કિસ્સામાં ગ્રાહકો નોધારા બની જાય છે. આ કેસ વર્ષો સુધી ચાલે છે અને ઘર ખરીદવા ઈચ્છતા લોકોના પૈસા ફસાયેલા રહે છે.
ગત વર્ષે ઘડાયેલા નવા કાયદાનુસાર નાદારીની પ્રક્રિયાને ૧૮૦ દિવસ સુધીમાં પૂર્ણ કરવાની રહેતી હોય છે. જેનો સમયગાળો હવે ઘટાડી ૯૦ દિવસ કરવામાં આવે તેવી શકયતાઓ છે.
સરકાર હાલ નાદારીના કાયદા મુદ્દે નિષ્ણાંતો પાસે દરખાસ્તો મંગાવી રહી છે. લાંબા સમયથી અટવાયેલા પ્રોજેકટમાં ગ્રાહકોની સુરક્ષા મુદ્દે વર્ષોથી યોગ્ય કાયદો ઘડવાની માંગ કરવામાં આવી રહી છે.
રેરા હેઠળ બિલ્ડરો ઉપર આ મામલે લગામ કસવામાં આવે તેવી અપેક્ષા હતી.
જો કે, હજુ સુધી આ કાયદા અંગે ઉદાસીનતા હોવાના કારણે ગ્રાહકોની રક્ષા માટે અન્ય રસ્તા અપનાવવા પડે તેવી ઈચ્છા સરકારની જણાય રહી છે. પરિણામે સરકારે નાદારીના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.