મીલેટ એટલે જુવાર, બાજરા, રાગી, સામા, કાંગની, ચીના, કોડો, કુટકી, કુત્તુ. એ નાના-બીજવાળા ઘાસનો અત્યંત વૈવિધ્યસભર સમૂહ છે, જે સમગ્ર વિશ્વમાં ધાન્ય પાકો અને પશુ ચારા માટે ઉપયોગમાં આવે છે. એશિયા અને આફ્રિકા (ખાસ કરીને દક્ષિણ ભારત, માલી, નાઇજીરીયામાં) જેવા અર્ધ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં બાજરી મહત્વનો પાક છે. આ પાક તેની ઉત્પાદકતા અને શુષ્ક, ઉચ્ચ-તાપમાનની સ્થિતિમાં અનુકૂળ છે. મીલેટનાં ઘણા પ્રકાર છે. મીલેટનાં સમૂહને બાજરી તરીકે પણ ઓળખાય છે. ઘઉં અને ચોખા સૌથી વધુ લોકપ્રિય અનાજમાં હોઈ શકે છે, પરંતુ બાજરી આજે ઉપલબ્ધ અનાજમાં સૌથી આરોગ્યપ્રદ છે.
બાજરી એ કુદરતી રીતે ધાન્યનાં લોટમાં રહેલ નત્રિલ દ્રવ્યથી મુક્ત છે અને મોટાભાગની વાનગીઓમાં ચોખા અને ઘઉંનો ઉત્તમ વિકલ્પ છે. મોટાભાગનાં પ્રદેશોમાં બાજરી તેમના સ્થાનિક નામોથી ઓળખાય છે. સૌથી વધુ લોકપ્રિય ભારતીય બાજરી પર્લ બાજરી છે જેને હિન્દીમાં બાજરા કહે છે. ભારત દેશમાં તો આઝાદી પહેલાનાં સમયમાં બાજરી જ ભોજન તરીકે લેવાતી હતી. એવું માનવામાં આવે છે કે ભારતીય મોસમને બાજરી જ અનુકુળ ખોરાક છે જેનું પાચન દરેક ઋતુમાં સરળતાથી થઇ જાય છે. એક માન્યતા અનુસાર ઘઉં તો ભારતમાં અંગ્રેજોએ લાવ્યા હતા એવું કહેવાય છે. મીલેટ પ્રમાણમાં સસ્તું પણ છે.
મીલેટનાં અસંખ્ય સ્વાસ્થ્ય લાભો છે તે બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, ઓબેસિટી, હાઈપર ટેન્શનનાં સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. હ્રદય સંબંધી રોગોમાં ફાયદાકારક છે. પેટ અને લીવરની બીમારીઓથી લડવા માટે પણ ઉપયોગી છે. મીલેટનાં ઉચ્ચ પોષક તત્વોને કારણે તેને “પોષક-અનાજ” ગણવામાં આવે છે. તેઓ વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે, જેમાં આયર્ન અને કેલ્શિયમનો સમાવેશ થાય છે. આખા અનાજ તરીકે,મીલેટ વિવિધ પ્રમાણમાં ફાઇબર પ્રદાન કરે છે જે આંતરડાનાં કાર્ય નિયંત્રિત કરે છે.
ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમમાં મિલેટનાં મહત્વ વિષે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યુનાઈટેડ નેશન્સએ 2023નાં વર્ષને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મીલેટસ’ તરીકે જાહેર કર્યું છે. ભારત વિશ્વમાં મીલેટનું સૌથી વધુ ઉત્પાદક દેશ છે. મિલેટની લણણી બાદ વધેલા ભૂસાને પશુઓ માટે ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવાય છે.
આલેખન
મિત્તલ ખેતાણી