સંઘના સંસ્કારે મને સત્તાના મોહથી દૂર રાખ્યો: વજુભાઈ વાળા
હું નસીબદાર છું કે મારી બેઠક પરથી વિજયી થયેલા નરેન્દ્રભાઈ અને વિજયભાઈ મુખ્યમંત્રી બન્યાં
રાજનીતિમાં કેટલાક મહાનુભાવો સંપૂર્ણ પણે બિનવિવાદાસ્પદ હોય છે, કેટલાક પૂર્ણ રાજયોગ ધરાવતા હોય છે જેને કારકીર્દીના પ્રારંભથી છેક સુધી સત્તા સહજરીતે જ પ્રાપ્ય હોય છે તો અમુક વ્યકિતવિશેષો સર્વમાન્ય અને અજાતશત્રુ હોય છે.
રાજકોટના કોર્પોરેટરથી માંડી મેયર, ધારાસભ્યથી માંડી મંત્રીને ગુજરાત વિધાનસભાના સ્પીકરથી લઈને કર્ણાટકના રાજયપાલ બનેલા વજુભાઈ વાળાની જન્મકુંડળીમાં આ ત્રણેય યોગ જાણે કે સર્જાયા છે! તેઓ લાંબી રાજકીય કેરિયરમાં બિન-વિવાદાસ્પદ્ સતત સત્તા પર રહેનારા અને અજાત શત્રુ છે. હમણા હમણા જ કર્ણાટકના રાજયપાલપદેથી નિવૃત્ત થઈ રાજકોટ સ્થાયી થયેલા વજૂભાઈ વાળાની ‘અબતક’ની ટીમે તેમના અમીન માર્ગ પરના ઘર પર મુલાકાત લીધી જે અત્રે પ્રસ્તુત કરી છે.
મારી તળપદી બોલી બધાને બહુ ગમી છે, સ્પીકર હતો ત્યારેય આમ જ બોલતો, સૌએ મને સ્વીકાર્યો છે
મારી સફર સાઈકલથી શરૂ કરીને વિમાનયાત્રા સુધીની છે પણ જેવો સમય એ મુજબ વર્તવું પડે
સવાલ: તમારૂ રાજકીય ઘડતર કેવી રીતે થયું અને તેના ઘડવૈયા કોણ…?
જવાબ: રાષ્ટ્રીય સ્વયં સેવક (આર.એસ.એસ.)ની વિચારધારાથી હું પહેલેથી ખૂબ પ્રભાવિત હતો જેથી તેમા જોડાઈ અને મેં તેના માટે કામ કર્યું બાદમાં જનસંઘની સ્થાપના થતાં મેં તેના માટે કામ કરવાનું શરૂ કર્યું ને એમ મારી કેરિયર શરૂ થઈ.
વ્યવસાયને રાજકારણને અલગ રાખી શકયો છું, કોઈ દિવસ મારા જાહેર જીવનમાં દાગ લાગવા દીધો નથી
પરિવારના સભ્યોને કોઈ દિવસ રાજકારણમાં આવવા દબાણ કર્યું નથી, જેને જેમાં રસ હોય એ કામ જ કરવું જોઈએ
સવાલ: ભારતીય જનતા પાર્ટીમાં યુવા કાર્યકર્તાઓએ આગળ વધવા શું કરવું જોઈએ?
જવાબ: ખરેખર તો દરેક ભારતીય દેશને સમર્પિત હોવો જોઈએ પરંતુ યુવાનોની વાત છે ત્યારે, યુવાનોએ રાષ્ટ્રપ્રેમ રાખવો જોઈએ અને જરૂર પડયે જીવના જોખમે પણ દેશમાટે કામ કરવું જોઈએ એવું હું સ્પષ્ટ પણે માનું છું.
સવાલ: તમારી સુવેગાથી વિમાનની સફર કેવી રહી …?
જવાબ: સુવેગાતો પછી આવ્યા પહેલાતો સાયકલ હતી. મારા કોલેજ કાળમાં હું સાયકલ લઈને કોલેજ જતો, બાદમાં સુવેગા આવ્યું હતુ અને પાર્ટીમાં કે સરકારમાં હોદો મળ્યાબાદ ફોર વ્હીલમાં મુસાફરી શરૂ થઈ પરંતુ જયારે જયારે કોઈ મીટિંગ કોન્ફરન્સ કે અન્ય કામ માટે દિલ્હી કે અન્ય રાજયોમાં જવાનું થતું ત્યારે પ્લેનમાં મુસાફરી કરી પરંતુ મેં કામ વગર પ્લેનમા જવાનું કયારેય વિચાર્યું નથી.
સવાલ: ગુજરાતમાં કોંગ્રેસના શાસનમા પણ પાણીવાળા મેયર તરીકે જાણીતા વજુભાઈ ‘અડીખમ’ રહી, કઈ રીતે એ સમય પસાર કર્યો..?
જવાબ: એ સમયે સમગ્ર ગુજરાત દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતુ મોટાભાગના ડેમ, તળાવો તળિયાઝાટક થવા ઉપરાંત બોરમાં પણ પાણી ડૂકી ગયા હતા. ત્યારે આજી, ન્યારી, રાંદરડા, લાલપરીમાં પાણીનો જે સ્ત્રોત હતો તેમાંથી ઉપરાંત આસપાસનાં 34 સ્થળોએથી 1100 જેટલા ટેન્કરો મારફત પાણી લાવી તેનું ફિલ્ટર કરી અને લોકોને પાણી પૂરૂ પાડયું હતુ. આ સમય દરમિયાન એક પણ શાળા, હોસ્પિટલ કે ચણતર (બાંધકામ) બંધ રહ્યું નહતુ.
સવાલ: તમારા રાજકીય જીવનમાં બે ભાગ પડયા જેમકે ધારાસભ્ય તથા મંત્રી પદ અને સ્પીકર તથા રાજયપાલ એમ બંને વચ્ચેનું બેલેન્સ કઈ રીતે જાળવી શકાયું …?
જવાબ: જયારે રાજકારણમાં પદ પર હોઈએ ત્યારે રાજકીય કાર્ય અથવાતો પાર્ટી સોપે તે કાર્ય કરવાનું હોય છે. જયારે ‘સ્પીકર-રાજયપાલ’ થયો ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષો કે અપક્ષો સાથે તટસ્થ રહી દરેક પક્ષને સંતોષ મળે તે રીતે કાર્ય કરવાનું હોય છે. અને તેરીતે મેં કાર્ય કર્યું છે.
સવાલ: તમે પદને ગળે બાંધ્યું નથી, અન્ય માટે બે વખત પદનો ત્યાગ કર્યો તે વિષે કાંઈક કહો.
જવાબ: સંઘના સંસ્કારે મને કોઈ દિવસ સત્તાનો મોહ જગાવ્યો નથી. સત્તાપર હોયે કે ન હોયે અમારા માટે બધુ સરખુ હોય છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને કાર્ય કરવાની પધ્ધતિમાં મુખ્ય એ બાબત છે કે પાર્ટીની જરૂરિયાત પૂર્ણ કરવી તે દરેક કાર્યકર્તાની ફરજ છે. અને આજદિવસથી આ વસ્તુ મેં નિભાવી છે.
સવાલ: તમારા દ્વારા છોડવામાં આવેલ પદ લકકી હોવા અંગે શું માનવું છે? બંને વખત આ પદ પર ચૂટાયેલા મહાનુભાવો મુખ્યમંત્રી બન્યા.
જવાબ: મારા માટે જોકે એ આનંદની વાત છે કે એ પદ પરથી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણી બંને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ખાસ વાત તો એ છેકે પાર્ટીના કોઈપણ કાર્યકર માટે પદ એ ગૌણ બાબત છે. મુખ્યતો પાર્ટીનું કામ જરૂરી છે અને પાર્ટીની પણ એક વ્યવસ્થા છે અને તેમાં પદ છોડવું એ કોઈ ઉપકાર કરવા જેવી બાબત નથી.
સવાલ: નિખાલસ, વ્યકિતત્વ ધરાવતા વજુભાઈમાં ‘ઈ કરીને’ શબ્દની ખાસીયત એ શું ?
જવાબ: દરેક સૌરાષ્ટ્રવાસીઓની બોલવાની ખાસીયત કંઈક ‘ઔર’ છે ‘ઈ કરીને’ શબ્દ કોઈ વ્યકિત વાતના પ્રારંભે અથવા તોઈ વાકય પૂર્ણ કરે ત્યારે એ શબ્દનો ઉપયોગ કરતા હોય છષ. એ દરેક લોકોની વ્યકિતગત ખાસીયત છે.
સવાલ: દેશી, તળપદી બોલી તમે બોલો છો આવું કયારે તૈયાર કરો છો?
જવાબ: સૌરાષ્ટ્રના અલગ-અલગ પરગણાના લોકોની ભાષામાં પણ જુદીજુદી વિવિધતાએ જોવા મળે છે. દેશી તળપદી બોલી અ ને તેમાં પણ લોક વાયકાઓ, કથનોના આભુષણ પહેરાવવામાં આવે તે લોકોને ખૂબજ ગમે છે અને સરળતાથી સમજાય છે. આશ્ર્ચર્યની વાત કહું તો વિધાનસભાનો સ્પીકર હતો ત્યારે દેશી, તળપદી બોલીમા વકતવ્ય આપતો અને બધાએ આપણી તળપદી બોલીને મનભરીને માણી છે.
સવાલ: તમે ભાજપમાં વર્ષોથી છો. પરંતુ પરિવારમાંથી કોઈ રાજકારણમાં નથી…
જવાબ: પરિવારની વાત કરૂ તો મારે બે દિકરા છે જે બીજનેશ સંભાળે છે. અને આમ જોઈએ તો દરેકની પસંદગી જુદી જુદી હોય છે જેથી રાજકીય ક્ષેત્રમાં આવવા અંગે અમારે કયારેય ચર્ચા પણ થઈ નથી અને અમે કોઈને એ બાબતે દબાણ કરવામાં માનતા નથી. જેને જે કામ ગમતું હોય તેજ કરવું જોઈએ.
સવાલ: રાજકીય ક્ષેત્ર અને વ્યવસાયિક ક્ષેત્ર વચ્ચેનું બેલેન્સ કઈ રીતે જાળવ્યું ?
જવાબ: મેં મારી પ્રમાણીકતા અને નિષ્ઠાથી પરિવાર, રાજકારણ અને ધંધામાં મારી ફરજ બજાવી છે.
સવાલ: આજ સુધી તમારા પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા નથી તેનું કારણ શું ?
જવાબ: રાજકારણમાં ચારિત્ર્યને મૂખ્ય ભૂમિકામાં રાખી અને કાર્ય કરવું જોઈએ બાકીતો કહેવત છે કે ‘જેવું કરો તેવું ભરો’ જેણે જેણે ભ્રષ્ટાચાર કર્યો છે તેની પાછળની જીંદગીમાં કંઈ બચ્યું નથી અને બદનામી સિવાય કંઈ મળ્યું નથી.
સવાલ: સતાનો પાવર મગજ પર કયારેય ચડયો નથી તેનું કારણ શું?
જવાબ: મને સત્તાનો મદ કયારેય હતો નહીં, છે નહી અને રાખવાનો પણ નથી. અમારૂ લક્ષ્ય હંમેશા નિર્માણ તરફ હોય છે. સત્તાપર હોઈએ ત્યારે પ્રજાને સુવિધા આપવી તેમજ તેમની જરૂરિયાત પૂર્ણ કરવી અને તે માટે મેં પૂરો પ્રયાસ કર્યો છે.
સવાલ: ધર્મમાં રાજકારણ ઘૂસ્યું પણ રાજકારણીઓને ધર્મ કયો?પ્રજા માટે શકય તેટલું કરી છૂટવું તેજ મોટો ધર્મ છે તેવું મારૂ માનવું છે.
સવાલ: ભવાની મંદિર વિશે કાંઈક કહો
જવાબ: આપણી સંસ્કૃતિમાં હંમેશા દરેકની પૂજન-અર્ચન કરવાની અલગ અલગ પધ્ધતિઓ છે જયારે રાજપૂત સમાજ દ્વારા ભવાની માતાનું મંદિર બને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે અને કોઈ પણ દેવ મંદિરમાં યુવાનો પણ માના દર્શન કરી પાવન થાય અને તેનામાં આપણી સંસ્કૃતિ સંસ્કારોનું સિંચન થાય તેજ મુખ્ય બાબત છે તેમ જણાવતા વજુભાઈએ ફરીએ વાતને દોહરાવી હતી કે દરેક વ્યકિત માટે દેશ પહેલા હોવો જોઈએ અને દેશ માટે તન તોડ મહેનત અને જરૂર પડયે દેશ માટે મરી ફીટવાની તૈયારી રાખવી જોઈએ.