પત્રકારત્વ અને સમાજ સેવા એક સિક્કાની બે બાજુ: મુખ્યમંત્રી
લોકશાહીના ચોા સ્થંભ પત્રકારોને મુખ્યમંત્રીએ સન્માનિત કરતા તેમની કામગીરીને બિરદાવી: વરિષ્ઠ પત્રકારનો એવોર્ડ જયદેવભાઈ પટેલને અપાયો
ગુજરાત મિડીયા ક્લબ દ્વારા આયોજિત ૧૩મા સ્થાપના દિન અને એવોર્ડ ફંક્શન કાર્યક્રમને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુદરતી આફતના સમયમાં ગુજરાત મિડીયા દ્વારા બજાવવામાં આવેલી સકારાત્મક ભૂમિકાની પ્રશંસા કરી હતી અને પત્રકારો છેવાડાના લોકો સુધી વિશ્વાસનિય માહિતી પહોંચાડતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પત્રકારત્વ એ લોકહિત માટે નોબેલ પ્રોફેશન છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, “લોકશાહીના ચોથા સ્તંભ ચોથી જાગીર કહેવાતા પત્રકારોને સન્માનિત કરવાનો આ સમારોહ છે. સંઘશક્તિ અને પરિવારભાવના મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ૧૩ વર્ષ પહેલા આવા જ એક સપ્ટેમ્બર મહિનામાં જે બીજ રોપાયું હતું, તે અંકુરિત થઈને વિકસતું ગયું અને આજે તે ગુજરાત મીડિયા ક્લબ નામનું વટવૃક્ષ બની ગયું છે.પત્રકારોની, પત્રકારો વડે અને પત્રકારો માટે ચાલતી ગુજરાત મિડિયા ક્લબે સતત પત્રકારોના હિત માટે કામ કરતા રહીને પોતાની ફ્રેટરનિટીનો વધુ ને વધુ વિશ્વાસ સંપાદિત કર્યો છે.ગુજરાત પર તાજેતરમાં બે મોટી કુદરતી આફત- વાયુ વાવાઝોડું અને ભારે વરસાદ વખતે જે તે વિસ્તારમાં રહેલા લોકોને ભયની સ્થિતિમાંથી ઉગારવા માટેના સરકારના પ્રયત્નો, સાચી માહિતીની જાણકારી છેવાડાના માનવી સુધી રાઉન્ડ-ધ-ક્લોક પહોંચાડવાનું કામ મિડીયા જગતે કર્યુ તે પ્રશંસનિય છે. પત્રકારોએ રાજા રામમોહન રાય અને ગાંધીજીની સેવામય પત્રકારત્વના સંવાહક હોવાનું ક્યારેય ભૂલવું ના જોઇએ. લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મેળવનારા વરિષ્ઠ પત્રકાર જયદેવભાઇ પટેલના યોગદાનની પણ તેમણે પ્રશંસા કરી હતી.
સમારોહના ગેસ્ટ ઓફ ઓનર, ઓએનજીસી, અમદાવાદના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એસેટ મેનેજર દેબાશિષ બાસુએ ગુજરાત મિડીયા ક્લબના વાર્ષિક સમારોહ અને એવોર્ડ ફંક્શન સાથે ઓએનજીસીના એક દાયકાથી પણ વધુ સમયના સહયોગનો ઉલ્લેખ કરીને મિડીયાના પ્રદાનને બિરદાવ્યું હતું તથા તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઓએનજીસીનો ગુજરાત સાથેનો નાતો છ દાયકાથી પણ વધુ જૂનો છે અને વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશની ઓઇલ આયાત નિર્ભરતા ૧૦ ટકા ઘટાડવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પૂર્ણ કરવા માટે ઓએનજીસી ગુજરાતમાં તેની કામગીરી વધુ વેગવાન બનાવવા સજ્જ છે.
ગુજરાત મિડીયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ક્લબ દ્વારા પત્રકારોની પ્રોફેશનલ સ્કિલ્સ અપગ્રેડ કરવા માટે અનેક કાર્યક્રમો યોજાશે તેમ જણાવ્યું હતું.
ગુજરાત મિડિયા ક્લબ દ્વારા ગુરુવારે -પ્રિન્ટ ન્યૂઝ રિપોર્ટ ઓફ ધ યર ઇન વર્નાક્યુલર (દિવ્ય ભાસ્કર) પ્રિતેષ ત્રિવેદી, પ્રિન્ટ ન્યૂઝ રિપોર્ટ ઓફ ધ યર ઇન ઇંગ્લિશ (અમદાવાદ મિરર) નિકુંજ સોની, ન્યૂઝ ફોટોગ્રાફ ઓફ ધ યર (ચિત્રલેખા) પ્રજ્ઞેશ વ્યાસ, ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ ઓફ ધ યર (ડી.ડી. ગિરનાર) અંકિત ચૌહાણ, ઓનલાઇન સ્ટોરી ઓફ ધ યર (ધ આર્ટિકલ) અભિષેક સિંહ રાવ, જ્યૂરિ રેકગ્નિશન એપ્રિશિયેબલ ટેલિવિઝન ન્યૂઝ રિપોર્ટ (એબીપી અસ્મિતા) સિદ્ધાર્થ જોશી, લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (પીઢ પત્રકાર) જયદેવભાઇ પટેલ ને અર્પણ કર્યા હતા.