જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાયો કાર્યક્રમ: પત્રકારોએ ‘વાઉ’ બસમાં માણી સિટી રાઈડ
તંદુરસ્ત લોકશાહીના પ્રહરી ગણાતા પત્રકારોએ આજે આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાના શપથ લીધા હતા. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે ચલાવવામાં આવતા અભિયાન સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વાઉ બસમાં પત્રકારોએ પ્રવાસ કર્યો હતો અને બાદમાં મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
પોતાના મળેલા અધિકારો અંગે નાગરિકો જાગૃત થાય એ પત્રકારત્વનું કર્મ છે. રાજકોટના પત્રકારો સકારાત્મક અભિગમ સાથે પોતાનું આ કર્મ સુપેરે નિભાવી રહ્યા છે. દર વખતની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે પત્રકારો પોતાના સમુહ માધ્યમો થકી સતત પ્રયત્નશીલ રહે છે. આવા કર્મશીલ પત્રકારોએ આજે વાઉ બસમાં મુસાફરી કરી હતી. આ બસને કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન. આર. ધાધલે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
વાઉ બસમાં આ સિટી રાઇડ મજ્જાની બની રહી હતી. કારણ કે, યુવા પત્રકારો સાથે વરિષ્ઠ પત્રકારો પણ તેમાં જોડાયા હતા. વરિષ્ઠ પત્રકારોએ ચૂંટણી વખતના પોતાના અનુભવો જણાવ્યા હતા.વરિષ્ઠ કેમેરામેન પ્રવીણભાઇ પરમાર અને યુવા પત્રકાર મારુત ત્રિવેદીએ પોતાના અનુભવો જણાવ્યા હતા અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ સંવાદનું સંચાલન આરજે આભાએ કર્યું હતું.
કલેક્ટર ડો. ગુપ્તા દ્વારા રાજકોટના મીડિયાની સકારાત્મક ભૂમિકાની સરાહના કરવામાં આવી હતી. બાદમાં તમામ પત્રકારોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ વેળાએ સંયુક્ત માહિતી નિયામક કે. એ. કરમટા, જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય જોડાયા હતા.