કુરૂક્ષેત્રની ભૂમિ શાસ્ત્રોની તો સાક્ષી છે, પરંતુ એક અનન્ય શાસ્ત્રનીતો એ જન્મદાત્રી છે
રાજકોટના જાણીતા લેખક, ચિત્રલેખા સામયીકના પત્રકાર જ્વલંત છાયાના નવા બે પુસ્તકોનું પ્રકાશન તાજેતરમાં થયું છે અને એને વાચકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બન્ને પુસ્તકો પોતાની રીતે વિશિષ્ટ છે.બન્ને પુસ્તક જાણીતા પ્રકાશક આર.આર. શેઠ દ્વારા પ્રકાશિત થયા છે.એમનું એક પુસ્તક છે અર્જુન ઉવાચ: જેમાં આજના યુવાનની સમસ્યા, માનવ મનને ગૂંચવતા શાશ્વત પ્રશ્નોની વાત કરવામાં આવી છે. જે સમસ્યા આજે છે એ જ યુદ્ધ પહેલાં અને યુદ્ધ પછી અર્જુનને પણ થઈ હતી.
અર્જુનના માધ્યમથી આજના માણસની સમસ્યાને રજૂ કરીને કૃષ્ણ પાસેથી એનો ઉકેલ મેળવવાની કોશિશ છે. મહાભારતના વિવિધ પર્વો, ભગવતગીતાના શ્ર્લોક, સંદર્ભો સાથે આ વાત આખી મૂકવામાં આવી છે. અર્જુન અને કૃષ્ણ વચ્ચેના સંવાદને પાયામાં રાખીને અર્જુનના વ્યક્તિત્વને અલગ રીતે ઉપસાવવામાં આવ્યું છે.
મહાભારત પર તો મોટા મોટા ચિંતકોએ કામ કર્યું છે. અનેક લેખકો કૃષ્ણ પર લખી ચૂક્યા છે. દ્રૌપદી અને ભીષ્મ પર પણ પુસ્તકો છે પરંતુ અર્જુનના વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખીને લખાયેલું આ પુસ્તક વિશેષ છે. વિશ્વના અન્ય શાસ્ત્રોમાં પણ અર્જુન જેવા પાત્રો છે, અર્જુન અને દ્રૌપદીનો સંબંધ, અર્જુનના એના ભાઈઓ સાથેના સંબંધ અને ખાસ તો આજે માણસે પોતાની ઓળખ છૂપાવીને જીવવું પડે છે એવું અર્જુને પણ કરવું પડ્યું હતું એ વિષય તદ્દન નોખો અને નવો છે. અર્જુન ઉવાચ પુસ્તકમાં આ તમામ બાબતો સમાવી લેવાઈ છે.
સ્વયં મહાભારત જ એવડો મોટો ખજાનો છે કે એ વાંચતા ભવના ભવ વિતે. આપણાં અનેક પૌરાણિક પાત્રો આપણને જીવનમાં કોઈને કોઈ રીતે માર્ગ ચીંધે છે. એ પાત્રો માર્ગદર્શક છે. પરંતુ અર્જુન તો આપણા માટે હમ સફર છે. આ પુસ્તકમાં અર્જુનના માધ્યમથી સામાન્ય વ્યકિતના મનને, જીવનને સમજવાનો પ્રયાસ કર્યો છે. આજના સામાન્ય માનવીને ખાસ તો યુવાનોને જે સમસ્યા નડે છે એવું કંઇક અર્જુને પણ અનુભવ્યું હતું. ડિપ્રેશન, ગિલ્ટ, ફોબિયા આજના સમયના શબ્દો છે જેનો અનુભવ અર્જુને પણ કર્યો હતો. અહીં આ પુરાણ પુરુષને આજના સંદર્ભમાં મૂકી એના જીવનને આજના યુવાનના જીવન સાથે જોડીને પ્રશ્નનો ઉકેલ લાવવાની કોશિશ કરી છે.
પ્યારે સુણ ગાંધી ગુણ પુસ્તક ગાંધીજીના જન્મના 150માં વર્ષ નિમિત્તે લખાયેલા લેખોનો સંગ્રહ છે. ગાંધીજના જન્મ પહેલાંથી લઈને એમના અવસાન સુધીની વિગતો, મહત્વના પ્રસંગો. ચાર્લી ચેપ્લિન સાથેની એમની મુલાકાત, ગાંધીજી અને સરદાર, ગાંધીજી અને આંબેડકર, ગાંધીજી અને કસ્તુરબા જેવા અનેક વિષયોના નાના-નાના પ્રકરણો છે. આજે જ્યારે સોશિયલ મીડિયા પર ગાંધીજીને લગતી અનેક વાતો છે ત્યારે આ પુસ્તક વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ અને ઉલ્લેખ કરીને લખાયેલું પુસ્તક છે.
વિદ્યાર્થીઓ-યુવાનો માટે ખાસ ઉપયોગી
અર્જુન ઉવાચ આમ તો તમામ વર્ગ માટે ઉપયોગી છે પરંતુ વિદ્યાર્થી અને ગુરુનો સંબંધ શું છે, વિદ્યાર્થીના જીવનમાં કેવી સમસ્યા સર્જાઈ શકે એનો ઉકેલ શું એના વિશે આ પુસ્તકમાં ઘણું માર્ગદર્શન છે. યુવાનોને હતાશા, નિરાશામાંથી ઉગારવા માટે આ અર્જુન ઉવાચ પુસ્તક ઉપયોગી છે.