મોરબી રોડ પર રહેતા અને ખાનગી ચેનલમાં રીપોર્ટર તરીકે ફરજ બજાવતા યુવાનને અખબારના પત્રકારે સુચિત મકાનના બાંધકામ અંગે ફરિયાદી હોવાની શંકાથી ફોનમાં ગાળો આપી જ્ઞાતિ અંગે હડઘુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર ગણેશનગર-૪માં રહેતા ખાનગી ચેનલમાં રીપોર્ટર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ ગાંગજીભાઈ વિસરીયા નામના ૩૦ વર્ષીય યુવાનને અખબારના પત્રકાર જયેશ રાઠોડ નામના શખ્સે ફોન અને વોટસએપમાં મેસેજ કરી ગાળો ભાંડી જ્ઞાતિ અંગે હડઘુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ભાવેશભાઈ વિસરીયાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ જયેશ રાઠોડ સુચિતમાં મકાનનું બાંધકામ કરતો હોય જે અંગે કોઈએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હોય જે ફરિયાદ ભાવેશભાઈ વિસરીયાએ કરી હોવાની શંકા રાખી ધમકીઓ આપી જ્ઞાતિ અંગે હડઘુત કર્યાના ફોન અને મેસેજ કર્યા હતા. જેના કારણે કોર્પોરેશનનાં પૂર્વ વિભાગની કામગીરી પણ વિવાદમાં આવી હોય તેમ લાગી રહ્યું છે.
ફકત મારૂ નામ વટાવી બદનામ કરવાનો પ્રયત્ન: એટીપી એસ.એસ.ગુપ્તા
મામલામાં કોર્પોરેશનના પૂર્વ વિભાગની ટીપી શાખામાં એટીપી તરીકે ફરજ બજાવતા એસ.એસ.ગુપ્તાએ ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે કોઈ સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. કોઈપણ અરજી અમને મળે તો યોગ્ય કાર્યવાહી કરાતી હોય છે. પરંતુ આ પ્રકારે ઘણા લોકો બજારમાં ફરીને એક અથવા બીજા અધિકારીનું નામ વટાવી શાખાને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. આ મામલામાં હું ટીપીઓ તેમજ જરૂર પડ્યે મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોરીશ. મોરબી રોડ પર થતાં ગેરકાયદેસર બાંધકામ સાથે મારે કોઈપણ પ્રકારના સંબંધો નથી.
ટીપી શાખાના એટીપી ગુપ્તા સાથે સારા સંબંધો હોવાનું કહી વારંવાર ધમકાવવાનું કારસ્તાન: ભાવેશ વિસરીયા
મોરબી રોડ પર રહેતા અને વ્યવસાયે પત્રકાર ભાવેશ વિસરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, આરોપી જયેશ રાઠોડ અને વિનુ વેલજી સખીયા ઉર્ફે વિનુ બેડી, મુકેશ રાઠોડ તેમજ જગદીશ માલાણી સહિતની વ્યક્તિઓ કે જે ભૂમાફિયા તરીકે કાર્યરત છે. આ તમામ લોકો મોરબી રોડ તેમજ તેના આસપાસના વિસ્તારોમાં નિર્માણાધીન સુચિત મકાનોમાં તોડ કરવાનું કામ કરે છે. તમામ સુચીત મકાનના કોન્ટ્રાકટર કે માલીકોને ડરાવી-ધમકાવી ૪૦ થી ૫૦ હજાર રૂપિયા મકાન દીઠ ઉઘરાવવાનું કારસ્તાન કરવામાં આવે છે. લોકડાઉન પૂર્વે મેં મનપામાં અરજી કરી આશરે ૧૫ જેટલી સુચિત દુકાન-મકાનનું ડિમોલીશન કરાવ્યું હતું. જેમાં ઉપરોક્ત શખસો અગાઉ તોડ કરી ચૂકયા હતા. ત્યારબાદ ફરીવાર મોરબી રોડ ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ કે જેમાં જયેશ રાઠોડ સહિતના શખસો પોતાનો ભાગ ધરાવે છે. તેના વિરુધ્ધમાં કોઈ અજાણી વ્યક્તિએ મનપા ખાતે અરજી કરી હતી. મામલામાં જયેશ રાઠોડને શંકા ગઈ કે, આ અરજી પણ મેં જ કરી છે. જેનો ખાર રાખી આશરે ગત એક અઠવાડિયાથી મોડી રાત્રે ફોન કરી મને ધમકાવતો હતો. દરરોજ રાત્રે ફોન કરી ગાળો ભાંડવી તેમજ ધમકી આપી મને ડરાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હતો. જયેશ રાઠોડે મને એવું પણ કહ્યું હતું કે, તારે જ્યાં અરજી કરવી હોય ત્યાં કરજે પરંતુ મારી કોઈપણ સાઈટને કોઈપણ પ્રકારની નુકશાનનો સામનો કરવો પડશે નહીં. કોર્પોરેશનની ટીપી શાખાના એટીપી ગુપ્તા સાથે મારે ખુબ સારા સંબંધ છે. જેથી તુ કંઈ પણ કરી શકીશ નહીં. ઉપરાંત ફોન કરીને મને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી વારંવાર ધમકી આપવાનું શરૂ રખાયું હતું. માનસીક ત્રાસને કારણે કંટાળીને મેં અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને જો ભવિષ્યમાં મને કંઈ પણ થશે તો તેનો જવાબદાર જયેશ રાઠોડ અને તેના સાગરીતો રહેશે.