નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિ આયોજીત નચિકેત એવોર્ડ મોરારીબાપુના હસ્તે વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છીને એનાયત
આજે સતત ત્રીજા વર્ષે પત્રકારોને પોખવાના રૂડા અવરસ નચિકેતા એવોર્ડનું આયોજન નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિ દ્વારા રાજકોટના હેમુ ગઢવી નાટયગૃહમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી પત્રકારત્વના જાણીતા વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છી (ગુજરાત સમાચાર) ને મોરારીબાપુના હસ્તે નચિકેત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોરારીબાપુના હસ્તે નચિકેત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે ઉદબોધન કરતાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે પત્રકારે હનુમાનજી જેવો હોવો જોઇએ, મંથરા જેવો ન હોવો જોઇએ પત્રકાર સમાજના દરેક પ્રશ્ર્નોને વાચા આપી મદદ કરવી જોઇએ. જયા જરુર હોય ત્યાં મદદે પહોંચી જવું જોઇએ. સ્વ. નગીનદાસ સંઘવી એટલે કે આપણા સૌના બાપાએ તેમના જીવન દરમિયાન એક સાચા પત્રકાર તરીકે કાર્ય કર્યુ છે. એટલા માટે જ તે પત્રકાર જગતના ભિષ્મપિતામાહ હતા.
વધુમાં મોરારીબાપુએ કહ્યું કે પત્રકાર સર્જક અને ખોજી હોવો જોઇએ. એક સર્જક માટે અતિથિ એટલે કે અચાનક વિચાર આવે અને એ વિચારને પકડી લેવો અને એમાંથી જ સારુ સર્જન થતું હોય છે. નગીનદાસ સંઘવી એ તેમના જીવન દરમિયાન લખેલા લખાણ માટે સંદર્ભ શોધવા અનેક પુસ્તકો વાચ્યા છે. તેમણે કોઇપણ લખાણ સત્ય વગર લખ્યું નથી અને જયાં સત્ય હોય ત્યાં લખવામાં કોઇ જ પ્રકારની સેહશરમ રાખી નથી. નગીનદાસ અને મારી વચ્ચે ઘણી વખત સત્સંય થયો છે.
બાપા આ સત્સંગ દરમિયાન ઘણી વાતો કરતા અને આ વાતમાં આધાર અચુક આપતા ઘણી વખત સત્સંગ દરમિયાન બાપુ ઘણા ટોપિકને લઇને કહેતા કે આ ગપ્પું છે. બાપા દરેક વાત સીધી જ કહેતા, ઘણા લોકો કહેતા કે નગીનદાસ તમારા શિક્ષક છે. હું ગર્વથી કહું છું કે મને એક આવા સારા શિક્ષક મળ્યા હતા. બાપાના લેખ સત્ય વગર શકય જ ન હતા. સંતો કહે છે કે સત્ય જયાંથી મળે ત્યાંથી મેળવી લો, પ્રજ્ઞા ચોરી કયારેય ન કરવી જોઇએ, ખાસ કરીની પત્રકારત્વમાં ચાર સ્થંભ હોવા જોઇએ.
તેના પર તેને કાર્ય કરવું જોઇએ, જેમ કે સંઘ, સંતોષ, સમાનચતા અને પરમ તત્વ પર શ્રઘ્ધાઆ ચારેય સ્થભ સાથે માત્ર પત્રકારે જ નહીં પણ દરેક વ્યકિતએ પોતાનું કાર્ય કરવું જોઇએ. બાપાએ 100 વર્ષમાં ર00 વર્ષ જેટલું કામ કર્યુ છે. બાપાના જીવન ઉપરથી એક વાત કહી શકાય કે શરીર તો એનું કામ કરતું જ હોય છે પરંતુ વ્યકિતમાં વિચારોની તાજગી હોવી જોઇએ. આપણા કાર્યથી આપણને ડકાર આવવી જોઇએ. પત્રકારે હંમેશા વર્તમાન સમય અને પોતાના વાંચકોને ઘ્યાનમાં રાખીને યોગ્ય સંદેશો પહોચાડવો જોઇએ.
નચિકેત એવોર્ડ પ્રાપ્ત કરનાર જાણીતા વરિષ્ઠ પત્રકાર ભવેનભાઇ કચ્છીએ જણાવ્યું હતું કે મારા જેવા ઘણા પત્રકારોએ નગીનદાસની કલમનો અભ્યાસ કર્યો છે અને તેના થકી અમારું ઘડતર થતું રહ્યું છે. નગીનદાસ સંઘવીએ તો પત્રકારોએ તેમની કલમ ભેટ આપી છે જે અમારા માટે ગૌરવની વાત છે. આ એવોર્ડને નગીનદાસ સંઘવીની યાદમાં આપવામાં આવે છે અને તેનું નામ નચિકેત એવોર્ડ આપવામાં આવ્યું છે.
તે ખરેખર યોગ્ય છે અને દરેક પત્રકારો નચિકેત બનવાની જરુરી છે. પોતાની કલમ થકી તેમણે સમાજ ઉપયોગી કાર્ય કરવાના છે. તેમની કલમથી સમાજનું ઘડતર થવું જોઇએ. અને યોગ્ય જ્ઞાન મળતું રહેવું જોઇએ. પત્રકારને સત્યના વાહક બનીને કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવશે. ધાક ધમકીઓ પણ મળશે પણ તેમનાથી ડર્યા વગર એમણે કામ કરતું જવાનું છે કારણ કે તંદુરસ્ત સમાજના ચાર સ્થંભો પૈકીનું એક સ્થંભ પત્રકારત્વ છે. આજે મને આ એવોર્ડ મળ્યો છે એ ગૌરવની વાત તો છે જ સાથે હવે મારી એ જવાબદારી બની ગઇ છે કે મારે વિશેષ કામ કરવું પડશે. તેમજ નચિકેત એવોર્ડ માટે મારી પસંદગી કરવા બદલ તેમણે નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિનો આભાર માન્યો હતો.