- શું ચારધામ યાત્રા ભૂતકાળ બની જશે?
- વહીવટી તંત્રને હસ્તક્ષેપ કરી ફરીથી સર્વે કરાવવા સ્થાનિકોની માંગ
જોશીમઠના ત્રણ વોર્ડમાં ઘણા ઘરોમાં તિરાડો પડવા લાગી છે, જે વિસ્તાર અગાઉ “ગ્રીન ઝોન” હેઠળ હતા અને નિષ્ણાતો દ્વારા સુરક્ષિત માનવામાં આવતા હતા. કેટલાક સ્થળોએ હાલની તિરાડો પહોળી થઈ ગઈ છે, તેવું સ્થાનિક લોકોએ સોમવારે જણાવ્યું હતું. પ્રાથમિક તારણ અનુસાર તાજેતરમાં પડેલા વરસાદે સમસ્યામાં વધારો કર્યો છે.
સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતોની ટીમ દ્વારા પ્રારંભિક સર્વેક્ષણ દરમિયાન જોશીમઠના ગાંધીનગરના નિવાસી નરેન્દ્ર તમટાના ઘરને “ગ્રીન ઝોન” હેઠળ મૂકવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું છે કે મારા ઘરમાં નવી તિરાડો દેખાઈ છે અને હાલની તિરાડો પહોળી થઈ ગઈ છે. તાજી તિરાડો જોયા પછી મે તાલુકા કચેરીમાં અરજી સબમિટ કરી હતી, જેના પગલે જિલ્લા વહીવટીતંત્રની એક ટીમ દ્વારા નવેસરથી સર્વે કરવામાં આવ્યો હતો.
આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહેલા સિંહધારના રહેવાસી મોહન સિંહ શાહે ધ્યાન દોર્યું કે તે અને તેઓ તેમના તિરાડવાળા ઘરમાં પાછા ફર્યા છે. શાહે કહ્યું, અમારા ઘરમાં હાલની તિરાડો વધી ગઈ છે અને અમે સતત ભયમાં જીવીએ છીએ.
કેટલાક અસરગ્રસ્ત રહેવાસીઓએ તાજેતરમાં જોશીમઠના એસડીએમ કુમકુમ જોશીને પત્ર લખ્યો હતો અને આ મામલે વહીવટીતંત્રના હસ્તક્ષેપની માંગ કરી હતી.
મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ શૈલેન્દ્ર પંવારે સોમવારે જણાવ્યું હતું કે, આ તિરાડો હજુ પણ શહેરના અમુક ભાગોમાં વધી રહી છે. અમે સરકારને એવી જગ્યાઓનું નવેસરથી સર્વે કરવા વિનંતી કરી છે કે જેમાં નવી તિરાડો પડી છે.
સત્તાવાર રેકોર્ડ મુજબ આજ સુધીમાં 868 ઘરોમાં નાનીથી મોટી તિરાડો નોંધાઈ છે. જ્યારે ચમોલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટા દર્શાવે છે કે જોશીમઠમાં 181 મકાનો જોખમી ક્ષેત્રમાં છે. આશરે 300 પરિવારોને શરૂઆતમાં તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સરકાર દ્વારા સંચાલિત આશ્રય ગૃહોમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા.