પુત્રવધૂએ સસરા વિરૂદ્ધ અરજી કરતા પોલીસ ઉપાડી ગઇ’તી: મૃતદેહ રાજકોટ ખસેડાયો
સૌરાષ્ટ્રમાં કસ્ટડીયલ ડેથનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે ગોંડલ, મોરબી બાદ હવે ઝાલાવાડના જોરાવરનગર પોલીસ મથકના લોકઅપના બાથરૂમમાં નશાખોર પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા દોડધામ મચી ગઈ હતી. પુત્રવધૂએ સસરા વિરૂદ્ધ અરજી કરતા પોલીસ ઉપાડી ગઇ હતી. ઘટનાના પગલે સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી.દોશી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે નોંધ કરી મૃતદેહ પેનલ પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જોરાવરનગર રતનપર ગામે વાલ્મીકિવાસમાં રહેતા ગેલાભાઈ ટપુભાઈ પાટડિયા (ઉ.વ.૫૨) નામના પ્રૌઢે જોરાવરનગર પોલીસ મથકના લોકઅપના બાથરૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે. પોલીસે ઘટનાની નોંધ કરી પેનલ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ગેલાભાઇ બે દિવસ પહેલા નશામા ચૂર થઈ ઘરે માથાકૂટ કરતા હતા. પરંતુ તેમને ઠપકો દેતા વાત થાળે પડી ગઈ હતી. પરંતુ ગઇ કાલે ફરીએકવાર ગેલાભાઈ દારૂના નશામા ઝઘડો કરતા હોય જેથી તેમની પુત્રવધૂ ઇલાબેને ૧૦૦ નંબરના ફોન કરી સસરાને પોલીસમાં પકડાવી દીધા હતાં. પરિવારજનોને થયું હતું કે એક દિવસ પોલીસ મથકમાં રહેશે તો પ્રૌઢ સુધરી જશે.
જેથી પોલીસે ગેલાભાઈને લોકઅપમાં રાખી દીધા હતા. જ્યાં પ્રૌઢે ઓઢવાની ચાદર વડે બાથરૂમમાં જઈને ગળાફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ થતાં તુરંત ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પરિવારજનોને પણ જાણ કરી હતી. તો બીજી તરફ ગાંધી હોસ્પિટલમાં પ્રૌઢને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. આ અંગે જાણ થતાં ડીવાયએસપી એચ.પી.દોશી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે કસ્ટડીયલ ડેથની ઘટનાની નોંધ કરી મૃતદેહને પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ગેલા ભાઈ ત્રણ ભાઈ અને બે બહેનમાં નાના હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહમાં કસ્ટડીયલ ડેથનો સીલસીલો યથાવત રહ્યો છે. જેમાં ગોંડલમાં પોતાના બે પુત્રોને ઝેર આપી મોતને ઘાટ ઉતારનાર પિતાએ ગોંડલ સબજેલમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. જ્યારે મોરબીમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે ગઇ કાલે રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ હત્યાના ગુનામાં સજા ભોગવતા હત્યારાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જોરાવરનગર પોલીસ મથકના લોકઅપમાં પ્રૌઢે આપઘાત કરી લીધો છે.