કોંગ્રેસ વિધાનમંડળ પાર્ટીએ વિધાનસભાની અંદર જ ભાજપમાં વિલીનીકરણનો ઠરાવ પસાર કર્યો
ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.
એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ચલાવી રહ્યા છે. કોંગ્રેસ મજબૂત થાય અને વિપક્ષ એક થાય તેમજ પ્રજાનો સહયોગ મળે તેવા આશયથી આ યાત્રા ચલાવવામાં આવી રહી છે. તેવા સમયે જ કોંગ્રેસને એક મોટો ફટકો પડયો છે. ગોવા વિપક્ષના નેતા માઈકલ લોબોએ આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળને ભાજપમાં ભેળવી દેવાનો નિર્ણય લેવાયો હતો. આ પછી આ ધારાસભ્યો મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા.
ગોવા કોંગ્રેસ વિધાનમંડળ પાર્ટીએ વિધાનસભાની અંદર ભાજપમાં વિલીનીકરણનો ઠરાવ પસાર કર્યો હતો. વિપક્ષના નેતા માઈકલ લોબોએ અન્ય સાત ધારાસભ્યોની હાજરીમાં પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય દિગંબર કામતે પ્રસ્તાવને સમર્થન આપ્યું.
- આ ધારાસભ્યોએ હાથનો સાથ છોડ્યો
દિગંબર કામત, માઈકલ લોબો, ડી લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાયક, સંકલ્પ અમોનકર, એલેક્સો સિક્વેરા અને રૂડોલ્ફ ફર્નાન્ડિસ એવા ધારાસભ્યોમાં સામેલ છે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.
- ગોવાથી કોંગ્રેસ છોડો યાત્રા શરૂ થઈ : સીએમ પ્રમોદ સાવંત
તમામ ધારાસભ્યો સીએમ પ્રમોદ સાવંતની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે સીએમ સાવંતે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે, પરંતુ ’કોંગ્રેસ છોડો’ યાત્રા ગોવાથી શરૂ થઈ છે.
- કોંગ્રેસ પાસે હવે માત્ર ત્રણ ધારાસભ્યો બચ્યા
40 બેઠકોવાળી ગોવા વિધાનસભામાં ભાજપના 20 ધારાસભ્યો હતા. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના ખાતામાં છ બેઠકો છે. કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો બચી છે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ ગઈ છે.
- 2019માં પણ કોંગ્રેસના 10 ધારાસભ્યોએ કેસરિયા કર્યા હતા
નોંધનીય છે કે 2019માં પણ ભાજપે કોંગ્રેસને આવો જ ફટકો આપ્યો હતો. જુલાઈ 2019માં કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. આ ફટકાનો ઘાવ માંડ હજુ ઉભર્યો હતો. તેવામાં ફરી કોંગ્રેસને ફટકો પડતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.