સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આવતીકાલે સવારે 9 કલાકે, મહર્ષિ દધિચિ પ્રાથમિક શાળા, શાળા નં.59, બજરંગવાડી સર્કલ પાછળ, પુનિતનગર ખાતે વોર્ડ નં. 2 અને 3નો સંયુક્ત આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેનું દિપ પ્રાગટ્ય સાંસદસભ્ય રામભાઈ મોકરીયાના વરદ હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.
સેવાસેતુમાં નાગરિકોના ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્નો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદય કાનગડ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહેશે.
લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. આ તકે લોકો વધુને વધુ સેવાઓનો લાભ લે તેવી સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અનુરોધ કર્યો છે.