- તંત્રે ચાર ડમ્પર, ટ્રેક્ટર, હિટાચી મશીન સહિત રૂ. 1.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
કેશોદ પંથકમાં ધમધમી રહેલા ખનીજ ચોરી પર તંત્રે તવાઈ બોલાવી છે. પંચાળા ગામની સીમમાં ધમધમી રહેલા ગેરકાયદે માટી ખનન પર દરોડો પાડીને રૂ. 1.45 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ડીવાયએસપી કેશોદ અને ફ્લાઇંગ સ્કવોડના સંયુક્ત ઓપરેશનમાં માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે.
કેશોદ તાલુકાના પંચાળા ગામે મોટા પાયે ખનીજચોરી થતી હોવાની ફરિયાદો ઉઠતા ખાણ ખનીજ વિભાગ સૌરાષ્ટ્ર-કચ્છની ફ્લાઇંગ સ્ક્વોડે મંગળવારે જૂનાગઢ ડીવાય.એસ.પી. સહિતની પોલીસ ટીમ સાથે રાખી દરોડો પાડી 4 ડમ્પર, 1 ટ્રેક્ટર અને માટી ચોરીમાં વપરાતું હિટાચી મશીન સહિતનો રૂ. 1.45 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના ઇન્ચાર્જ અંકિત ભટ્ટના જણાવ્યા અનુસાર કેશોદ તાલુકાના પંચાળા ગામે લાંબા સમયથી માટીની બેફામપણે ચોરીનું કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદો મળી હતી. જેના પગલે મંગળવારે ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું અને તેના અનુસંધાને જૂનાગઢ પોલીસ તંત્રના ડીવાય.એસ.પી.સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનોનો કાફલો સાથે રાખી પંચાળા ગામે દરોડો પાડ્યો હતો.
આ સમયે માટી ભરેલા ચાર ડમ્પર, એક ટ્રેક્ટર અને એક મશીન સહિતનો મુદ્દામાલ સાથે અમુક શખસો ઝપટે ચડી ગયા હતા. આ ખનીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે 5 વાહનો અને મશીન સીઝ કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે અને પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડના દરોડાના પગલે સોરઠ પંથકના ખનીજચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. મંગળવારે મોડીરાત્રે આ ઘટના અંગે ગુનો નોંધાયો હતો.