સંયુકત માહિતી નિયામકશ્રી કે.એ.કરમટાને માહિતી પરિવારે આપેલું ભાવભીનું વિદાયમાન
આ પ્રસંગે શ્રી કરમટાએ તેમની કારકીર્દિના સુખદ સંસ્મરણો વાગોળ્યા હતા. અને તેમના કાર્યકાળ દરમ્યાન મળેલા સાથી કર્મચારીઓના સહકાર બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. શ્રી કરમટાએ સાથી કર્મચારીઓને સકારાત્મક વલણ રાખી કામ કરવાની શીખ આપી હતી, અને ઉમેર્યું હતું કે, આ પ્રકારના વલણથી કોઇ પણ કર્મચારીને કોઇ પણ પ્રકારના સંજોગોમાં વિચલિત થયા વગર કામ કરવાની પ્રેરણા મળે છે, જેનાથી સમગ્રતયા માહિતી વિભાગની કામગીરી ઉત્તમ રીતે થઇ શકે છે.
રાજયના માહિતી વિભાગમાં ૩૪ વર્ષની સુદીર્ઘ અને યશસ્વી કારકીર્દિ પૂર્ણ કરી શ્રી કનુભાઇ કરમટા તા.૩૧.૫.૨૦૧૮ના રોજ વયમર્યાદાને લીધે નિવૃત્ત થયા હતા. આ કાર્યક્રમનો શુભારંભ ગીર સોમનાથ જિલ્લાના સહાયક માહિતી નિયામકશ્રી અર્જુનભાઇ પરમારે શ્રી કરમટા સાહેબનો પરિચય આપીને કર્યો હતો. કચેરી અધિક્ષકશ્રી જગદીશભાઇ સત્યદેવે પણ શ્રી કરમટા સાહેબ સાથે તેમણે કરેલી કામગીરીની ઝલક રજૂ કરી હતી. તા.૩૧.૫.૨૦૧૮ના રોજ જૂનાગઢ કચેરી ખાતેથી નિવૃત્ત થતા અન્ય કર્મચારીશ્રી ડી.એ.ભાડજાને પણ શ્રી કરમટા સાથે જ નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
રાજકોટના સંયુકત માહિતી નિયામકશ્રી કે.એ.કરમટાને સમગ્ર માહિતી પરિવારે ભાવભીનું નિવૃત્તિ વિદાયમાન પાઠવ્યું હતું.
શ્રી કનુભાઇ કરમટાનું પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ તરફથી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તથા પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન એનાયત કરાયા હતા.
આ પ્રસંગે શ્રી કે.એ.કરમટાના વયોવૃધ્ધ છતાં તંદુરસ્ત એવા પિતાશ્રી અમરજીભાઇ, તેમના અર્ધાંગિની શ્રીમતિ રંજનબેન, બંને બાળકોસહિત પરિવારના અન્ય સભ્યો, નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષી, શ્રી અરવિંદભાઇ જોષી, શ્રી વસઇયા, શ્રી રાજુભાઇ જાની, સહાયક માહિતી નિયામકશ્રી વી.બી.જાડેજા, શ્રી જગદીશભાઇ ત્રિવેદી અને શ્રીએમ.વી.માલી, સૌરાષ્ટ્ર રીજીયનની અન્ય કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. માહિતી મદદનીશશ્રી દર્શનભાઇ ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.