૧ જુલાઇ-૨૦૨૦થી લાગુ કરાયેલા અનલોક-૨(બે) અન્વયે મળેલી છૂટછાટોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા, વધતા જતા કોરોના પોઝિટિવ કેસો અંગે સતર્કતા રાખવા અને નિયમોનું પાલન કરવા, પાન કે ચાની દુકાને ટોળે ન વળવા, માસ્ક, સેનિટાઇઝર અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું અચૂક પાલન કરવા અને કોઇ પણ પ્રકારની બેદરકારી ન રાખવા રાજકોટ શહેર તથા ગ્રામ્યના નાગરિકોને રાજકોટના કલેકટરશ્રી, પોલિસ કમિશ્નરશ્રી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ગ્રામ્ય પોલિસ અધિક્ષકશ્રીએ સંયુકત રીતે અનુરોધ કર્યો છે.

કલેકટરશ્રી રેમ્યા મોહને જાહેર જનતા જોગ અપીલમાં કહયું હતું કે, અનલોક-૨(બે)માં બેદરકાર રહીને અગાઉના લોકડાઉનથી મળેલા લાભો ભૂલી ન જવા જોઇએ. વડીલો, બાળકો અને શરદી-ઉધરસ-તાવના લક્ષણોવાળા નાગરિકોએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું જોઇએ. અને હાથ ધોવા, માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવું વગેરે બાબતો અચૂક રીતે રોજિંદા જીવનનો એક ભાગ બની જવી જોઇએ.

રંગીલા રાજકોટની શાંતિપ્રિય જનતાને રાજયસરકાર દ્વારા વખતો-વખત જાહેર કરાતા લોકડાઉન સંબંધી કાયદાઓનું કડક પાલન કરવા શહેર પોલિસ કમિશનશ્રી મનોજ અગ્રવાલે તાકીદ કરી હતી. રોજ-બ-રોજનું જીવન અટકે નહિં અને લોકો બેદરકાર ન બને એ શરતે અનલોક-૨(બે) દરમ્યાન આપવામાં આવેલી છૂટછાટો છતાં પણ માત્ર ચાર જ દિવસમાં ૩૦૦ વાહનો રાત્રે ડીટેઇન કરવા પડયા છે. અનલોક-૨માં રાત્રીના ૧૦ થી સવારના ૫ વાગ્યા સુધી કર્ફયુ લદાયેલ છે. તેનું ચુસ્તપણે પાલન કરવા અન્યથા તેનો ભંગ થયે દંડ અને વાહન ડીટેઇન કરવામાં આવશે, ત્યારે આમ નાગરિકો આ વ્યવસ્થામાં સહકાર આપે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદ કરે તે ઇચ્છનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

FINAL OKમ્યુનિેસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલે કોરોનાની સારવારમાં હોમીયોપેથી અને આયુર્વેદિક સારવારનું મહત્વ સમજાવ્યું હતું, અને આ માટે શહેરભરમાં ફરનારા ૧૫ ધન્વન્તરી રથનો મહત્તમ લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. ચા અને પાાનની દુકાન તથા રેસકોર્સ ખાતે ટોળટપાકા માટે એકઠા થતા લોકોને ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાનો ફેલાવો કરતા આવા બેજવાબદાર તત્વો સામે તંત્ર કડક હાથે કામ લેશે. અન્ય જિલ્લામાંથી આવતા નાગરિકોના સ્વાસ્થ્યની એક અઠવાડિયા સુધી તકેદારી રાખવા અને કોઇ પણ શંકાસ્પદ લક્ષણ જણાયે સોસાયટી કે મહોલ્લાના પ્રમુખોને ૦૨૮૧-૨૪૫૦૦૭૭ અથવા ૧૦૪ ટોલફ્રી નંબર પર જાણ કરવા તેમણે લાગણીસભર અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાએ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા કોરોના કેસ પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં કહયું હતું કે, અન્ય જિલ્લામાંથી આવતા સગાં-વ્હાલાંઓને રૂબરૂ મળવા જવાને બદલે ફોન પર જ મળી લેવાથી કોરોનાનો ખતરો ઘણે અંશે ટાળી શકાય છે. વૃધ્ધો-સગર્ભાઓ-બાળકો વગેરેએ જરૂર વગર બહાર ન નીકળવા અને હળદર, આદુ, ઉકાળા, ગરમ પાણી, બાફ વગેરેનું નિયમિત સેવન કરવા અને અર્થોપાર્જન માટે ફરજિયાત બહાર જવું પડે તે વ્યક્તિઓને બહારથી આવ્યા પછી કપડાં સેનિટાઇઝ કરવા અને ગરમ પાણીથી બિનચૂક સ્નાન કરવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

રાજકોટ ગ્રામ્યના પોલિસ અધિક્ષકશ્રી બલરામ મીનાએ બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાના, બહારથી આવ્યા પછી ચોક્કસપણે હાથ ધોવાના અને બે હાથનું અંતર રાખવાના વડાપ્રધાનશ્રી મોદીજીએ જાહેર જનતાને લેવડાવેલા સંકલ્પનું ચોકસાઇથી પાલન કરવા નાગરિકોને ટકોર કરી હતી. અને માસ્ક ન હોય તો રૂમાલ, ઓઢણી, ફાળિયું, પાઘડી, સ્કાર્ફ કે અન્ય કોઇ પણ પ્રકારના કાપડથી નાક અને મોઢું અચૂક ઢાંકવા અને અનલોક-૨(બે)ના નિયમોની અમલવારીમાં સહકાર આાપવા નાગરિકોને ખાસ અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.