- બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરે પુજય મહંતસ્વામીની ઉ5સ્થિતિમાં ઉજવાયો સ્વાગત દિન
- સંધ્યા સભામાં 15,000થી વધુ હરિભકતોએ દર્શનનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી
બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પ. પૂ. મહંત સ્વામી મહારાજ તારીખ 14 જૂનથી 10 જુલાઈ દરમિયાન રાજકોટ માં સત્સંગ લાભ આપી રહ્યા છે. તેઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં દરરોજ અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. એ જ કડીમાં આજનો સમગ્ર દિન ’સ્વાગત દિન’ તરીકે ઉજવાયો.
જેઠ સુદ દશમના ભગવાન સ્વામિનારાયણની અંતર્ધાન તિથિના વિશિષ્ટ દિવસે સવારના છ વાગ્યા પહેલાથી ભક્તો કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરમાં આવેલ પ્રમુખસ્વામી સભાગૃહમાં ગુરુહરીના દર્શન માટે ઉમટ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રના લેખક વિદ્વાન સંત આદર્શજીવન સ્વામી દ્વારા પ્રેરક કથાવાર્તા કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વહેલી સવારે પૂજા દર્શન આપ્યા હતા. પૂજામાં રાજકોટના સત્સંગી સંગીતજ્ઞ સંતો-યુવકો દ્વારા ભગવાન સ્વામીનારાયણના જીવન કવન વિશે કાઠિયાવાડી શૈલીમાં યુવાનો દ્વારા કાઠીયાવાડની ઓળખ સમા એવા ગઢવી અને ચારણ સાહિત્યના દોહા છંદ અને સંગીતમય પ્રસ્તુતિ દ્વારા તેઓનું સ્વાગત કરાયું. મહંત સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણનો મહિમા અને તેમની પ્રાપ્તિ વિષયક આશીર્વાદથી હરિભક્તોને કૃતાર્થ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે મંદિરમાં આમ્રકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિરમાં ભગવાન આગળ વિવિધ 108 પ્રકારની વિવિધ કેરીનો થાળ ધરાવવામાં આવ્યો હતો. મલ્લિકાર્જુન, નિલમ, આમ્રપાલી, હંસરાજ, પછતિયો, દાડમિયો લાલબાગ, કેસર, બદામ, હાફૂસ, દશહરી, તોતાપુરી વગેરે વિવિધ જાતની કેરી તેમજ તેના રસ ભગવાનને ધરાવવામાં આવ્યાં હતા. ફળોનો રાજા કેરીના વિવિધ ફળોથી જગતના રાજા એવા ભગવાનને પ્રસન્ન કરવા માટે આ સુંદર આમ્રફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી હતી.
રવિવારની સંધ્યા સભામાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દર્શન લાભ પ્રાપ્ત કરવા માટે 15000 જેટલા હરિભક્તો પધાર્યા હતા. હરિભક્તોના ભક્તિ ભાવથી સ્વામિનારાયણ મંદિર છલકાયું હતું.
પરમ પૂજ્ય સ્વામીની ઉપસ્થિતિમાં યુવાનો દ્વારા ’મારે મંદિરીએ મહારાજ પધાર્યા’ વિષયક રોચક સંવાદ પ્રસ્તુતિ તેમજ નૃત્ય ભક્તિ અદા કરવામાં આવી. સ્વાગત સભાના અંતમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા કે
- સત્પુરુષમાં જોડાવું એ જ આપણી સાધના છે..
- સત્પુરુષની આજ્ઞા દ્રઢ કરી તેનું પાલન કરવું..
- સત્પુરુષના નિશ્ચય વિના કોઈ સાધન ફળીભૂત થતા નથી.
- જેને સત્પુરુષ મળ્યા તે દુ:ખ માત્રથી તરી ગયા છે…
- સભાની પૂર્ણાહુતિ બાદ હરિભક્તોએ મહાપ્રસાદનો આસ્વાદ માણ્યો હતો.
આજરોજ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની દૈનિક પૂજા દરમ્યાન બાળકોએ પ્રસ્થાનત્રયી આધારિત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ગાન કર્યું હતું. મહંત સ્વામી દ્વારા લિખિત સંત્સંગ દીક્ષાના શ્લોકનો મુખપાઠ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, વગેરે ભારતીય ભાષાઓ ઉપરાંત વૈશ્વિક અંગ્રેજી, સ્પેનિશ, આફ્રિકાની સ્વાહિલી ભાષાઓમાં રજૂ કર્યો હતો. બાળકોએ સંસ્કૃતમાં લખાયેલ સ્વામિનારાયણ સિદ્ધાંત કારિકાઓનો મુખપાઠ રજુ કર્યો હતો. વિવિધ પ્રાર્થના અને કીર્તનોની પ્રસ્તુતિ પણ બાળકો દ્વારા જ રજૂ કરવામાં આવી હતી.