સાળી અને યુવાનને સાસરિયાઓ પક્ષના ઉઠાવી ગયા બાદ ઝેરી દવા પી લીધી હોવાનું સસરાનું રટણ: હત્યાની શંકાએ મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો
અબતક,રાજકોટ
જોડિયા તાલુકાના રસનાળ ગામે સાળીને ભગાડી ગયા બાદ ઝડપાયેલા બનાવીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. યુવાનની સાસરીયાએ હત્યા કર્યાનો પરિવારે આક્ષેપ કરતા ચકચાર મચી ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધ્રોલના સગારીયા ગામે ખેત મજૂરી કામ કરતા નાનકો બદરાભાઈ બુંદવિયા નામનો 25 વર્ષનો પરપ્રાંતીય જોરીયાના રસનાળ ગામે પરિવાર સાથે પેટીયુ રડવા આવ્યો હતો. યુવાન તેની સાળી અનિતાને રક્ષાબંધન ઉપર ભગાડી ગયો હતો. બાદમાં સળીને ભગાડીને લઈ જનાર બનેવી નાનકો બુદવિયાને તેના સસરા જગા સહિતના સાસરિયાઓએ અમરેલીના ખીજડિયા ગામેથી ઝડપી પાડયો હતો. સાળીને ભગાડીને લઈ ગયા બાદ ઝડપાયેલા નાનકાએ ઝેરી દવા પી લીધી હોવાનું તેના સાસરિયાઓએ જણાવ્યું હતું. જેથી ઝેરી અસર થતા યુવાનને તાત્કાલિક સારવાર માટે ટંકારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નાનકા બુદવીયાનું સારવાર દરમિયાન મોત નિપજતા પરપ્રાંત્ય પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક નાનકા બુદવીયાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. નાનકો બુદવીયા રક્ષાબંધન પૂર્વે જ પોતાની સાળી અનિતાને ભગાડી ગયા બાદ અમરેલીના ખીજડીયા ગામેથી ઝડપાયો હતો અને બાદમાં ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મૃતક નાનકા બુદવીયાના પરિવારે સાસરીયા પક્ષે નાનકા બુદવીયાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.