વિજેતા વિદ્યાર્થીઓને કુલપતિ દ્વારા ઈનામ એનાયત કરવામાં આવ્યા.
જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પણ દર વર્ષે રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ દેશને આપે છે. આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ જુડો (બહેનો)નું તા.૧૬ સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીકેવી કોલેજ જામનગર રનર્સઅપ ટીમ બની હતી તથા જે.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ફરી એક વખત ચેમ્પીયન બની હતી.
સ્પર્ધાના ઉદઘાટક પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઈ જોષીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા જણાવ્યું કે જુદી-જુદી ૧૮ કોલેજોમાંથી ૮૫ જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિવિધ ૮ કેટેગરી માટે સ્પર્ધકો વચ્ચે હરિફાઈ કરી રહ્યા છે જે મોટી સિદ્ધિ કહી શકાય અભ્યાસની સાથે સાથે બહેનો હવે સ્પોર્ટસમાં પણ આગળ આવી રહ્યા છે જે સમૃદ્ધ સમાજની નિશાની છે.
ઉદઘાટન પ્રવચન કરતા મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોષીએ દરેક સ્પર્ધકને અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધાના ઈનામ વિતરણ સમારંભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર ડો.નિલામ્બરીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જેમનું શરીર સ્વસ્થ હોય તેમનું મન સ્વસ્થ હોય તેથી દરેક બહેનોએ પોતાના શરીર ઉપર ધ્યાન આપવું જોઈએ. કાર્યક્રમ દરમ્યાન જ તેઓએ બહેનોની વિનંતીને માન આપીને યુનિવર્સિટી ખાતે ૩ અઠવાડીયાનો ખો-ખોનો કેમ્પ જાહેર કર્યો હતો જેને દરેક ખેલાડીઓએ વધાવી લીધો હતો.