એક જ સમયે અલગ-અલગ સ્થળે બંને જીગરજાન દોસ્તને મોત આવી ગયું : એક મિત્રનું બાઇક સ્લીપ થતા મોત તો બીજાએ બેભાન હાલતમાં દમ તોડ્યો : પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મોતનું કારણ જાણી શકાશે : પોલીસે હાથધરી તપાસ
અબતક, રાજકોટ
રાજકોટમાં આટાપાટા સર્જાતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટમાં રહેતા “જય-વિરૂ જેવા મિત્રોનું એકી સાથે મોત નીપજ્યું છે. બંને મિત્રોએ “જીયે ગે સાથ, મરેંગે સાથ કહેવતને સાચી કરી હતી. જેમાં સંત કબીર રોડ અને મોરબી રોડ નજીકનાં વિસ્તારમાં રહેતા બંને મિત્રોનું એક સાથે એક સમયે બંને કાળને ભેટ્યા છે. જેમાં પ્રથમ મિત્રનું બાઇક સ્લીપ થઇ જતાં તેને ગંભીર ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો જેનું ત્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું અને બીજા મિત્રનું બેભાન થઇ જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ બી-ડીવીઝન પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને તપાસમાં બહાર આવ્યું હતું કે સંભવત બંને મિત્રોએ ઝેરી દવા પીધી હતી અને એક સાથે આપઘાત કર્યો છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
“બને ચાહે દુશ્મન જમાનાં હમારા, સલામત રહે ‘દોસ્તાના’ હમારા જેવા કિસ્સો સામે આવ્યો છે. જેમાં સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતો શ્યામ વિનુભાઇ મેવાડા (ઉ.વ.૨૦) નામનો પ્રથમ મિત્ર રાત્રિના સમયે બાઇક લઇને જઇ રહ્યો હતો તે વેળાંએ મોરબી રોડ પર જૂના જકાત નાકા પાસે બાઇક સ્લીપ થતાં તેને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરી કાર્યવાહી હાથધરી છે.
જ્યારે અન્ય બનાવમાં મોરબી રોડ પર લોક માન્ય તિલક ટાઉનશીપ પાસે આરએમસી ક્વાર્ટરમાં રહેતો દિશાંત અરજણભાઇ ઝાલા (ઉ.વ.૧૫)નામનો બીજો મિત્ર પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. બનાવની જાણ બી-ડીવીઝન પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયેલ હતો બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાઇક સ્લીપ થતાં જે યુવાનનું મોત થયું છે અને બેભાન હાલતમાં આવેલ કિશોર શ્યામ મેવાડા અને દિશાંત ઝાલા બંનેને મિત્રો હોવાનું બહાર આવ્યું હતું અને સંભવત બંનેએ ઝેરી પ્રવાહી પી લીધાનું અને આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતું. જો કે બંને મિત્રોએ ક્યાં ? અને કેવી રીતે ? ઝેરી દવા પીધી અને જો દવા પી આપઘાત કર્યો છે તો તેનું કારણ શું છે તેવા પ્રશ્નોને લઇ મોડી રાત સુધી બી-ડીવીઝન પોલીસે તપાસનો ધમધમાટ કર્યો હતો. “જય-વિરૂ જેવા મિત્રોના એક સાથે મોત થતા પરિવાર શોકમાં ગળકાવ થયો છે.