દિલ્હીમાં યુવા હુંકાર રેલીમાં હિંસાની દહેશતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીએ ગુજરાતમાં ધારાસભ્ય પદે અપક્ષ ઉમેદવાર બની વિજય મેળવ્યો છે. આ જીત બાદ તેઓ હવે માત્ર રાજયના નહીં પરંતુ સમગ્ર દેશના દલીત આગેવાન તરીકે ઓળખાવવા માંગે છે. પરિણામે મહારાષ્ટ્રની હિંસા બાદ તેઓ આ મુદ્દાને ખેંચી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલે દિલ્હીમાં રેલી યોજવાની પરવાનગી મેવાણીએ માંગી હતી. આ રેલીને યુવા હુંકાર રેલી નામ અપાયુ છે. આ રેલીને પરવાનગી નહીં મળે તો પણ યોજાશે તેવો દાવો થયો છે.
જીજ્ઞેશ મેવાણીના નેજા હેઠળ યુવા હુંકાર રેલી વડાપ્રધાન કાર્યાલય સુધી માર્ચ કરશે તેવું આયોજન ગોઠવાયું હતું. આ રેલી દરમિયાન હિંસા થાય તેવી દહેશતે પોલીસે બંદોબસ્તની તૈયારી કરી છે. ગઈકાલ સુધી આ રેલીને પોલીસે મંજૂરી આપી નહોતી પરંતુ મંજૂરી વગર પણ રેલી યોજવાની તૈયારીથી મામલો બગડી શકે છે. આ રેલીમાં માથાકૂટ થાય તેવી દહેશત સેવાઈ રહી છે.
દલીતોના મશીહા બનવાની લ્હાયમાં આગેવાનના બેદરકાર પગલાથી હિંસા ભડકી શકે છે. યુવા હુંકાર રેલીને મંજૂરી વગર પણ આગળ ધપાવવાની ઈચ્છાથી ટકરાવ થશે જ આ ટકરાવના પડઘા સમગ્ર દેશમાં પડશે. પરિણામે અન્ય સ્થળોએ પણ ભાંગફોડ થઈ શકે તેવી દહેશત સેવાઈ રહી છે. તંત્રએ રેલી મોકુફ રાખવા સલાહ આપી છે. અલબત હવે આ રેલીના પડઘા કઈ પ્રકારના રહેશે તે જોવાનું રહ્યું.
મહારાષ્ટ્રમાં થયેલી હિંસા બાદ હજુ સુધી કેટલાક સ્થળે હિંસક ઘટનાઓના સમાચાર મળે છે. માટે જો દિલ્હીમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના બની જાય તો તે વધુ રૌદ્ર સ્વ‚પ ધારણ કરી શકે છે. આવા સમયે જીજ્ઞેશ મેવાણીની રેલીથી વિવાદ વકરી શકે છે. સમાજના મશીહા બનવાના અભરખામાં નેતાએ લીધેલો એક બેદરકારીભર્યો નિર્ણય પણ દેશ અને સમાજને બહોળુ નુકશાન પહોંચાડી શકે છે.