જામનગરવાસીઓની જળજરૂરિયાત સંતોષતો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. મેઘરાજાએ માત્ર 24 જ કલાકમાં વરસાદ વરસાવી જિલ્લાના મહત્તમ ડેમોને ઓવરફ્લો કરી દીધા છે. જામનગરવાસીઓ માટે પ્રિય અને શહેરને પીવાનું પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતા જામનગરવાસીઓ માટે ઘરે લાપસીના આંધણ મુકવા જેટલી ખુશી જોવા મળી રહી છે. જેમાં ઓવરફ્લો થતા ડેમની સાથોસાથ ડેમની આજુબાજુનો કુદરતી નજારો પણ ચાર ચાંદ લગાવી દે છે.
11 ઈંચ વરસાદથી જામનગર જળ બંબાકાર, શહેર પાણી-પાણી
હવામાન વિભાગની આગાહીને લઈને જામનગરમાં ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે શરૂ થયેલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. હજુ પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. કાલાવડ લાલપુર ધ્રોલ સહિતના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
જામનગરમાં સચરાચર મેઘમહેરને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો ઉઠવા પામી હતી. જામનગર જિલ્લાભરમાં 18 કલાકમાં એક થી 11 ઇંચ જેટલો શ્રીકાર વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરમાં સૌથી વધુ 11ઇંચ જોડિયામાં સાડા પાંચ ઇંચ, ધ્રોલમાં ચાર ઇંચ, કાલાવડમાં ત્રણ ઇંચ, જામજોધપુરમાં બે ઇંચ વરસાદ તંત્રના ચોપડે નોંધાયો છે
જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી નાળામાં ઘોડાપુર આવ્યા હતા. ભારે વરસાદના પગલે અનેક ગામડાઓના રસ્તાઓ બંધ થઇ ગયા હતા. છેલ્લા 18 કલાકમાં જિલ્લાભરમાં શ્રીકાર વરસાદ છે. જેમાં ખાસ કરીને જામનગર શહેરમાં આજે સવારે 10થી 12ના સમયગાળામાં પાંચ ઇંચ જેટલો વરસાદ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગર જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદમાં જામનગર શહેરમાં 236 મિમી, જોડીયામાં 132 મિમી, ધ્રોલમાં 97 મિમી, લાલપુરમાં 25 મીમી જ્યારે જામજોધપુરમાં 44 મિમી વરસાદ નોંધાયો હતો.
જામનગર જિલ્લા પંચાયતમાં પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે તોફાની વરસાદથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને મહાનગરપાલિકાના કંટ્રોલરૂમમાં પાણી ભરાયાની ફરિયાદથી સતત ટેલિફોન રણકતા રહ્યા હતા. આ વરસાદને લઈને ઠેર ઠેર ઉપાધિના ઘોડાપૂર પણ ઉમટ્યા હતા. જેમાં રણમલ તળાવની દીવાલ ધરાશાયી થઈ હતી. સાથે જ સત્યનારાયણ મંદિર નજીક રોડ ઉપરની દીવાલ પણ પડી હતી. જેને લઈને એસ્ટેટ વિભાગની ટીમે પહોંચી જઈ રસ્તો ફરી ચાલુ કરાવ્યો હતો.
ગરનાળામાં કાર ડૂબી, દિલધડક રેસ્ક્યૂ ઓપરશનમાં તમામને બચાવાયા, વધુમાં જામનગર શહેરમાં ભારે વરસાદ થવાને લઈને જિલ્લા પંચાયત, સ્પોર્ટ સંકુલ ,બેડી ગેટ, જયશ્રી સિનેમા જીજી હોસ્પિટલ પેલેસ ગ્રાઉન્ડ, લીમડા લાઇન, દરેડ ગામે આવેલ ખોડીયાર માતાજીનું મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતા. તો મોમાઈનગર, મોહનનગર, ગોકુલનગર વિસ્તારના રહેવાસીઓના ઘરમાં પાણી ઘુસ્યાની રાવ ઉઠી હતું.
શહેર અને રણજીતસાગરમાં પાણીએ ત્રણ વ્યક્તિનો ભોગ લીધો: એકની શોધખોળ
જામનગર શહેર અને રણજીતસાગર માં નવા વરસાદે ત્રણ માનવીનો ભોગ લીધો છે. જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં નવ નાલા પાસે બે બાળકો પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા, દરમિયાન ઘસમસ્તા પાણીના પ્રવાહમાં એક બાળક તણાયો હતો, જ્યારે યસ વિજયભાઈ પરમાર નામનો 13 વર્ષનો કિશોર કે જેને ભારે જહેમત લઈને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે જીવીત અવસ્થામા બહાર કાઢી લીધો હતો. આ સમયે 108 નંબરની એમ્બ્યુલન્સ ની ટીમના સહદેવ સિંહ સોઢા તેમજ જયદેવભાઈ આહિરે ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે બાળકને જીવીત અવસ્થા માં હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો, અને બાળકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તેની સાથે લાપત્તા બની ગયેલા અન્ય એક બાળક ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
રણજીત સાગર ડેમમાં વરસાદનું પાણી જોવા તેમજ સેલ્ફી પાડવા માટે ગયેલા જામનગરના પિતા પુત્રના મૃત્યુ નિપજતાં માતમ છવાયો છે. જામનગરમાં રહેતા આસિફભાઈ બચુભાઈ સેતા (36 વર્ષ) પોતાના 13 વર્ષના પુત્ર નવાજ ને સાથે લઈને રણજીત સાગર ડેમ પર ગયા હતા, અને ડેમના પાળા નજીક થી નીચે ઉતરીને સેલ્ફી પાડવાનો પ્રયત્ન કરતા હતા. જે દરમિયાન અકસ્માતે પિતા પુત્ર બંને ડેમના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમને દોડતી કરાવાઈ હતી, અને ફાયર શાખા ની ટુકડીએ એકાદ કલાકની જહેમત પછી પિતા પુત્રના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસને આ બનાવની જાણ થવાથી પોલીસ ટુકડી પણ રણજીતસાગર ડેમ પર પહોંચી ગઈ હતી, અને મૃતદેહો નો કબ્જો સંભાળી વધુ તપાસ ચલાવાઈ રહી છે.
જામનગરમાં સત્યનારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલનો અમુક ભાગ ધરાશાયી
જામનગરમાં હવાઇ ચોકથી ભાટ્ટની આંબલી તરફ જવાનાં માર્ગે સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરની કમ્પાઉન્ડ વોલનો અમુક ભાગ વરસાદમાં ધરાશાયી થયો છે.
ગતરાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદથી લગભગ એક સદીથી વધુ જૂની ઇમારતને ક્ષતિ પહોંચી હતી અને અમુક ભાગ ધરાશાયી થઇ ગયો હતો. સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર થયેલ આ અકસ્માતમાં સદનસીબે કોઈને ઈજા થઇ નથી કે જાનહાનિ થઇ નથી,તેને ભક્તો સત્યનારાયણ ભગવાનની કૃપા ગણી રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક આનુસાંગિક કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ધરાશાયી થયેલ દિવાલનાં કાટમાળને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટિમે 70 લોકોનું રેસ્ક્યુ કર્યુ
જામનગર શહેરમાં ભારે મેઘ સવારી જોવા મળી હતી અને 10 ઇંચ થીપણ વધુ પાણી પડ્યું હોવાથી સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ હતી. આવા સંજોગોમાં જામનગર શહેરના જુદાજુદા વિસ્તારોમાં ફસાયેલી 70 થી વધુ વ્યક્તિને જામનગર ની ફાયર બ્રિગેડ શાખા ર રેસ્ક્યુ કર્યા છે, અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં રાત્રે એકાદ વાગ્યા થી વરસાદ શરૂ થયો હતો, અને આજે મોડી સાંજ સુધી પણ ચાલુ રહ્યો છે. ભારે વરસાદમાં શહેરના ઠેક ઠેકાણે જલ ભરાવી સ્થિતિ હતી, આવા સંજોગોમાં જામનગરના મયુરનગર વિસ્તાર, પુનિત નગર વિસ્તાર, ગુલા નગર કરવા માટે પહોંચી હતી, અને સમગ્ર દિવસ દરમિયાન કુલ 70 વ્યક્તિને રેસ્ક્યુ કરી સહીસલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમાં ફાઇબરની બોટ નો પણ ઉપયોગ લેવાયો હતો.
ભારે મેઘ સવારી પછી સરકારી જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગ- સોનોગ્રાફી વિભાગમાં પાણી ભરાયા
જામનગર શહેરમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જામનગરની સરકારી જીજી. હોસ્પિટલ નો ગાયનેક વિભાગ કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત આઈ.સી.યુ. વિભાગની લોબીમાં પણ પાણી ઘુસ્યા છે. જ્યારે સોનોગ્રાફી વિભાગ પાસે તો પાણીનું તળાવ સર્જાઈ ગયું છે. તેથી દર્દીઓ તેમ તેના સગા વાલાઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ હોસ્પિટલના બહારના પાર્કિંગના ભાગ સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાથી જળબંબાકાર જેવી સ્થિતિ છે, અને જીજી હોસ્પિટલ નો તંત્ર દોડતું થયું છે.
લાખોટા તળાવ પરિસરમાં વધુ એક દિવાલ ધરાશાયી થતાં તંત્ર એલર્ટ
જામનગરના લાખોટા તળાવમાં આજે ભારે વરસાદને કારણે વધુ એક દીવાલ ધસી પડી હતી. જેથી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગની ટીમ વગેરે ઘટના સ્થળે પહોંચી જઇ ચાંપતા પગલાં લેવામાં આવી રહ્યા છે, તેમજ આજે લાખોટા લેક ને સહેલાણીઓના પ્રવેશ માટે બંધ રખાયો છે. જામનગરના લાખોટા તળાવમાં આવેલા આંબેડકર ગાર્ડન પાસેની એક દિવાલ ધરાસાઈ થઈ જતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા ઉપરાંત પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની તેમજ લાખોટા પરીસરની સાર સંભાળ રાખતા હિરેન સોલંકી સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને નિરીક્ષણ કર્યું છે. તેમજ સલામતીના ભાગરૂપે તમામ ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. લાખોટા તળાવ પરિસરમાં બે સ્થળે દીવાલ ધસી પડી હોવાથી તેમજ ભારે વરસાદને લઈને કોઈ અકસ્માત કે જાન હાની ના સર્જાય તેના ભાગરૂપે આજે લાખોટા લેકમાં પ્રવેશ બંધ રખાયો છે.
ભારે વરાસાદથી ધૂવાવ હાઉસિંગ બોર્ડની કોલોનીમાં પાણી ભરાઈ જવાથી બાળકીનું ડૂબી જતાં મૃત્યુ
જામનગર તાલુકા ના ધુવાવ વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની કોલોની માં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા, અને ત્રણ વર્ષ ની બાળકીનું પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ધુવાવ હાઉસિંગ બોર્ડ ની કોલોની માં રહેતી નેહાબેન ગોદળીયા નામની ત્રણ વર્ષની બાળકી કે જે પોતાના ઘરમાંથી પાણી બહાર કાઢી રહી હતી, જે દરમિયાન સકસ્માતે પાણીના ખાડામાં પડી ગઈ હતી, અને ડૂબી ગઈ હતી. તેના પિતાએ બાળકીને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી. પરંતુ તેણી નું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવને લઈને ગોદળિયા બાવાજી પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
દરેડ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને લઈને દરેડના ખોડીયાર મંદિર પરિસરમાં પાણી ઘૂસ્યા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે દરેડ વિસ્તારમાં આવેલું ખોડીયાર મંદિર કે જેમાં આજે ધસમસતો પાણીનો પ્રવાહ મંદિરની અંદર ઘૂસ્યો હતો, અને મંદિરનો નીચેનો ભાગ પાણીમાં ડૂબ્યો હતો. હજુ પણ ઉપરવાસના વરસાદને લઈને નાગમતી નદી બે કાંઠે થઈ હોવાથી મંદિરમાં વધુ પાણીનો પ્રવાહ આવી રહયો છે, અને મંદિરનો અન્ય ભાગ પણ ડૂબી રહ્યો છે.
લાલખાણ ઘાંચીની ખડકી સહિતના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા
જામનગર શહેરમાં પડેલા ભારે વરસાદ ને પગલે તેમજ રણજીતસાગર અને કંકાવટી ડેમ ઓવરફ્લો થાય તો તેનું પાણી નીચાણવાળા વિસ્તારમાં આવે તે પહેલા સ્થાનિક રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી અને તેઓની ટીમ દ્વારા લાલખાણ વિસ્તાર, ઘાંચીની ખડકી વિસ્તાર, સહિતના એરિયામાં રહેતા નાગરિકોને સલામતીના ભાગરૂપે એક સ્કૂલમાં તેમજ મદ્રેશાઓમાં આશરો આપવામાં આવ્યો હતો, ઉપરાંત તેઓ તમામ માટે રહેવા માટેની તેમજ ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.