અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસદમાં કરવામાં આવેલી જાહેરાતને હર્ષભેર આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. વર્ષોથી કરોડો રામભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા તેવો રામમંદિર બનાવવાની મંજુરી આપતો ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસદમાં રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની કરાયેલી જાહેરાતને ગુજરાત ભાજપા અને કરોડો રામભક્તો વતી આવકારી હર્ષભેર વધાવું છું.
વાઘાણીએ જણાવ્યું હતું કે, ભવ્ય મંદિરના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર નામના ટ્રસ્ટની જાહેરાત કરી છે.જેમાં એક સભ્ય કાયમી દલિત સમાજમાંથી લેવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે જે ભાજપાની સમરસતા અને સૌના સાથ-સૌના વિશ્વાસની પ્રતિબધ્ધતા દર્શાવે છે. સરકાર દ્વારા ૬૭.૦૭ એકર જેટલી જમીનની ફાળવણી થશે જેનાં પર ભવ્યાતીભવ્ય રામમંદિરનું નિર્માણ થશે તેમજ વકફ બોર્ડને પણ ૫ એકર જમીન ફાળવવામાં આવશે આમ,વર્ષો જુના વિવાદનો સુખદ અંત લાવી ભાજપા સરકારે ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણ માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. કરોડો રામ ભક્તો વતી પુન: એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.