આગામી સમયમાં જમ્મુ-કાશ્મીરમાં ગ્લોબલ બીઝનેસ સમીટ યોજાવા જઇ રહી છે ત્યારે દેશ અને વિદેશથી વિવિધ ઉદ્યોગપતિઓના પધારવાથી જમ્મુ-કાશ્મીર વિકાસના નવા શિખરો સર કરશે તથા ભારતનું સ્વિત્ઝરલેન્ડ બનવા તરફ અગ્રેસર થશે: જીતુભાઇ વાઘાણી
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પૂર્વ મંત્રી અને સંગઠનપર્વના સહઇન્ચાર્જ રજનીભાઇ પટેલ, પ્રદેશ અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા
૧૫મી ઓગસ્ટ, ૭૩માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે ધ્વજવંદન કર્યુ હતુ. ધ્વજવંદન બાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ અગ્રણીઓએ ભારત માતા, ડો. શ્યામાપ્રસાદ મુખરજી તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
વાઘાણીએ આઝાદી માટે પોતાનો જીવ બલિદાન આપનાર દેશના તમામ બહાદુર સપૂતોને વંદન કરતા જણાવ્યું હતું કે, આ દિવસ આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનો, આદર્શો અને બહાદુરીને યાદ કરી તેમની પાસેથી પ્રેરણા મેળવવાનો દિવસ છે. આજે આપણે સ્વતંત્ર દેશમાં શ્વાસ લઈ રહ્યા છીએ તે અનેક નામી અને અનામી વીરોનાં ત્યાગ અને બલિદાન નું પરિણામ છે. તેઓની દેશ માટે આપેલ આહુતિ એળે ન જાય તે જોવાની આપણી સૌની જવાબદારી બને છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ નવા ભારતના નિર્માણ માટે દેશના અને રાજ્યના પ્રત્યેક નાગરિક ખભે ખભો મિલાવીને દેશની ઉન્નતિ અને વિકાસમાં સહભાગી બને તે આવશ્યક છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ૩૭૦ની કલમ અને ૩૫એ નાબૂદ કરવાનો નિર્ણય લઇને દેશ-વિદેશના કરોડો ભારતીયોના વર્ષોપર્યન્તના સ્વપ્નને સાકાર કરીને કાશ્મીરને સાચા અર્થમાં ભારતવર્ષ સાથે જોડવાનું પ્રશંસનીય કાર્ય કર્યુ છે, તે માટે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે ગુજરાતના આ પનોતાપુત્રોનું આ મહાન કાર્ય અંકિત થઇ ચૂક્યુ છે. આઝાદીના ૭૦ વર્ષો સુધી ભારતની એકતા અને અખંડિતતા માટે જે કામ કોંગ્રેસે ન કર્યું તે ઐતિહાસિક કાર્ય કેન્દ્રની ભાજપા સરકારે તેની દ્રઢ ઇચ્છાશક્તિ દ્વારા કરી બતાવ્યું છે.