છેલ્લા ત્રણ વર્ષમાં અનેક પડકારો, સંઘર્ષો અને કોંગ્રેસ દ્વારા કરાયેલા અનેક ષડ્યંત્રો છતાં કાર્યકર્તાઓના સહકારથી પાર્ટીને વધુ મજબૂત બનાવી શક્યા તેનો મને અંત:કરણપૂર્વકનો આનંદ અને સંતોષ છે: જીતુભાઇ વાઘાણી
૧૦ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના પ્રદેશ અધ્યક્ષ તરીકેના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપાના અગ્રણીઓ તથા કાર્યકરોએ જીતુભાઇ વાઘાણીને રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપાના કાર્યકરો માટે કોઇપણ પદ એ હોદ્દો નહીં પરંતુ જવાબદારી હોય છે. મારા પર ભરોસો મુકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ તેમજ કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ તરીકે મને જવાબદારી સોંપી હતી તે બદલ ફરી એકવાર તેમનો આભાર માનું છું.
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજથી ત્રણ વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે મારા પર ભરોસો મૂકી મને ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ તરીકે જે જવાબદારી સોંપી હતી તેને મોદી-શાહના માર્ગદર્શન અને ભાજપાના સૌ કાર્યકર્તાઓના સહકારથી જ પૂર્ણ કરી શક્યો છું, તેથી હું ભાજપાના સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.
વાઘાણીએ જણાવ્યું હતું કે,પદ-પ્રતિષ્ઠા અને પૈસાથી ઉપર ઉઠી સતત કાર્યશીલતા અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવી એ જ પ્રથમ ધર્મ છે. હું તો પ્રતિક માત્ર છું અને ભાજપા સંગઠનની વ્યવસ્થાનો એક ભાગ છું. નેતૃત્વ સતત બદલાતુ રહે પરંતુ ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારા સર્વોપરિ છે. તેઓએ હાલ ચાલી રહેલ સંગઠન પર્વ-સદસ્યતા અભિયાન અંતર્ગત જણાવ્યું હતું કે, પ્રત્યેક કાર્યકર ભાજપાના રાષ્ટ્રવાદી અને વિકાસવાદી વિચારને સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બનાવી ભાજપાની સર્વસમાવેશી રાજનીતિમાં વધુને વધુ લોકોને જોડી સંગઠનને વધુ ને વધુ મજબૂત બનાવે અને ભાજપાની શક્તિમાં ઉમેરો કરે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરવા માટે શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ભાજપાના દરેક કાર્યકર્તાને અવિરતપણે પરિશ્રમ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના નેતૃત્વમાં માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરવા માટે મહત્તમ યોગદાન આપે અને ભાજપાનો દરેક કાર્યકર્તા પ્રમાણિકતા, નિષ્ઠા અને નીડરતાથી જનતાની સેવા કરે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૧૯૯૫થી સતત ગુજરાતની જનતાએ ભાજપા પર ભરોસો રાખી અવિરત પ્રેમ વરસાવ્યો છે. ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સતત છઠ્ઠીવાર ભાજપાનો વિજય ત્યારબાદ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં પણ સતત બીજીવાર તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો તે બદલ ગુજરાતની જનતાનો પણ હદયપૂર્વક આભાર માનું છું. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતની ભાજપા સરકાર વિકાસના નવા શિખરો સર કરી રહી છે ત્યારે ગુજરાત ભાજપાનો દરેક કાર્યકર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો વાહક બની જનસેવા કરતો રહે અને ભાજપાનો રાષ્ટ્ર પ્રથમનો વિચાર ઘરે-ઘરે પહોંચાડી એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરે.
છેલ્લા ત્રણ વર્ષમાં આવેલા અનેક પડકારો, સંઘર્ષો અને કોંગ્રેસ દ્વારા કરાયેલા અનેક ષડ્યંત્રો છતાં સૌ કાર્યકર્તાઓના સહકારથી પાર્ટીને વધુ મજબૂત બનાવી શક્યા તેનો મને અંત:કરણપૂર્વકનો આનંદ અને સંતોષ છે. પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન ચઢતે જાના, પથ કા અંતિમ લક્ષ હૈ સબ સમાજ કો સાથ લિયે બસ આગે હી બઢતે જાના તેમ શ્રી વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું.