ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગર ખાતે આયોજીત ગાંધી સંકલ્પ યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શીયાળ, ભાવનગર લોકસભા પ્રભારી મહેશભાઇ કસવાલા સહિત મેયર, ડેપ્યુટી મેયર, જીલ્લા પ્રમુખ-મહામંત્રીઓ તથા વિશાળ સંખ્યામાં સ્વયંભૂ નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સંબોધન કરતા જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની ગ્રામ સ્વરાજ થી સુરાજ્યની કલ્પના, દેશમાં રામરાજ્યની સ્થાપનાની કલ્પના – આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાચા અર્થમાં સાકાર થઇ રહી છે. પુજ્ય બાપુના જીવનમૂલ્યો-આદર્શોને પ્રજા વચ્ચે જીવંત રાખવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધી સંકલ્પ યાત્રા થકી દેશભરના સાંસદ ગાંધીજીના વિચાર જન-જન સુધી પહોંચાડી રહ્યા છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫એ હટાવ્યા બાદ તેમજ શ્રી રામ જન્મભૂમિ સંદર્ભે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ પણ દેશભરમાં શાંતિ, સૌહાર્દ અને પરસ્પર ભાઈચારાની ભાવના છે, જે સાબિત કરે છે કે પૂજ્ય બાપુના વિચારો દેશના પ્રત્યેક નાગરિકમાં જીવંત છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા, પર્યાવરણ બચાવો, અષ્પૃશ્યતા હટાવો, બેટી બચાવો-બેટી પઢાવો જેવા મહાત્મા ગાંધીના મૂલ્યોને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાચા અર્થમા અમલમાં મૂકી રહ્યા છે. આજે એક મહિલા સાંસદ તરીકે ભારતીબેન શિયાળ ગાંધીના મૂલ્યોને જનજન સુધી પહોંચાડવા માટે ૧૫૦ કિલોમીટરની પદયાત્રા કરવાના છે તે ગૌરવ લેવા જેવી બાબત છે.