મકાનના મનદુ:ખમાં દંપતિ પર ભાઈ ભાભી અને ભત્રીજાએ કર્યો ખૂની હુમલો
જેતપૂર તાલુકાના ડેડરવા ગામે મિલ્કતના પ્રશ્ને દંપતિ પર મોટાભાઈ અને તેની પત્ની તેમજ પુત્રે કુહાડી વડે હત્યાની કોશિષ કર્યાની જેતપૂર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપૂર તાલુકાના ડેડરવા ગામે રહેતા અને મંદિરની સેવા પૂજા કરતા અણપુરી સોમપુરી ગોસ્વામી નામના ૫૦ વર્ષિય બાવાજી પ્રૌઢ પર મિલ્કતના પ્રશ્ર્ને તેના મોટાભાઈ ભરતપુરી સોમપુરી ગોસ્વામી, અનેતેનીપત્ની કાંતાબેન ભરતપુરી તેમજ પુત્ર અજયે કુહાડી અને લાકડી વડે મારમાર્યાની જેતપૂર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં અણભાઈ અને તેના મોટાભાઈ ભરતપુરી વચ્ચે મકાનના ભાગ બાબતે ઘણા સમયથી વિવાદ ચાલતો તે મામલે બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ભરતપુરીએ કુહાડી અને લાકડી વડે મારમારતા પતિ અણપુરીને બચાવવા વચ્ચે પડેલી પત્ની ભાવનાબેનને ઈજા થયાનું પોલીસમાં જણાવ્યું.
ગંભીર રીતે ઘવાયેલ અણભાઈને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની પોલીસે ફરિયાદ પરથી દંપતિ અને પુત્ર સામે ખૂનની કોશિષનો ગુનો નોધી ધરપકડ કરવા પીએસઆઈ પી.જે. બાટવા સહિતના સ્ટાફ તજવીજ હાથ ધરી છે.