ફલેટના બુકીંગના બહાને સંબંધ વિકસાવી રૂા.60 લાખ વ્યાજે આપી દર મહિને કમ્મરતોડ વ્યાજ વસુલ કર્યુ: પોલીસના
લોકદરબારમાં વ્યાજ અંગે ખોડુ મુંધવા વિરૂધ્ધ અરજી આપતા પોલીસને ગેર માર્ગે દોરવા ખોટા આક્ષેપ સાથે વળતી અરજી આપી
કાલાવડ તાલુકાના શીશાંગ ગામે 2011માં હોલીડે સિટી ફલેટ બનાવનાર જીતેન્દ્રભાઇ કુંવરજીભાઇ મારૂ સાથે ફલેટનું બુકીંગ કરવાના બહાને સંપર્કમાં આવી માસિક રૂા.10 થી 30 ટકા માસિક વ્યાજ પડાવ્યાની અને ધાક ધમકી તેમજ માર મારી સ્વીંમીગપુલ પડાવી લીધા અંગેના ચોકાવનારા આક્ષેપ જીતેન્દ્રભાઇ મારૂએ પત્રકાર પરિષદમાં પત્રકારો સમક્ષ કર્યા છે.
રૈયા ટેલિફોન એકચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા બિલ્ડર જીતેન્દ્રભાઇ કુંવરજીભાઇ મારૂ સામે સંત કબીર રોડ પર કૈલાશધારા એપાર્ટમેન્ટમાં રહેતા ખોડુ સામત મુંધવાએ પોલીસમાં કરેલી લેખિત ફરિયાદ અંગે સ્પષ્ટતા કરવા માટે યોજેલી પત્રકાર પરિષદમાં ખોડુ મુંધવા સામે ગત તા.5મી ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજ અંગેની રાવ કરી હોવાથી તેને ઉપજાવી કાઢેલી ખોટી અરજી પોતાના વિરૂધ્ધ આપી હોવાના જીતેન્દ્રભાઇ મારૂએ આક્ષેપ કર્યા છે.
શીશાંગ ખાતે હોલીડે સિટી નામે ફલેટ શરૂ કરી બુકીંગ શરૂ કર્યુ ત્યારે ખોડુ મુંધવાએ પોતાની પત્નીના નામે ફલેટ બુક કરાવ્યા બાદ રદ કરાવ્યો ત્યારે તેને આપેલી રકમ પરત આપી દીધી હતી પરંતુ બંને વચ્ચે મિત્રતા થતા અવાર નવાર ખોડુ મુંધવા પાસેથી વ્યાજે રકમ લઇ પરત કરી દેતા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોતાને પૈસાની જરૂર પડતા પોતાનો રૂા.55 લાખની કિંમતનો સ્વીમીગ પુલ વેચવાનું જાહેર કર્યુ ત્યારે કાનાભાઇ ડાભીએ રૂા.13.50 લાખમાં સ્વીમીંગનો સોદો નક્કી કર્યા બાદ કાનાભાઇ ડાભીએ ખોડુ મુંધવા માટે સ્વીમીંગ પુલ ખરીદ કર્યો હોવાનું જાહેર કર્યુ હતું.
સ્વીંમીગ પુલના બદલે ફલેટનું લખાણ કરાવ્યું હતું જેની કિંમત રૂા.80 લાખ થતી હતી. આથી બંને વચ્ચે સોદો રદ થતા કાનાભાઇ ડાભી દ્વારા સુથીના રૂા.10 લાખ પરત મોકલી દીધા અંગેની જીતેન્દ્રભાઇ મારૂએ સ્પષ્ટતા કરી હતી.150 ફુટ રીંગ રોડ પર વિજય આહિર પર થયેલા ફાયરિંગમાં ખોડુ મુંધવાના હથિયારનો ઉપયોગ થયો હોવાથી તેનું લાયસન્સ રદ થયું હોવા થતાં પોતાની કમ્મરે ફટાકડી લટકાવી ધાક ધમકી દેતો હોવાના જીતેન્દ્રભાઇ મારૂએ આક્ષેપ કર્યા છે.
તેમજ એરપોર્ટ પાસેનો કિંમતી પ્લોટ પણ તેને પચાવી પાડયાનું અને કુવાડવા રોડ પર એક ડોકટર પાસેથી બિલ્ડીંગ તેમજ પેલેસ રોડ પર ભરેલા કબ્જે મકાન ખરીદ કરી ધાક ધમકીથી ખાલી કરાવ્યા અંગેના આક્ષેપો કર્યા છે.હોલીડે સિટીમાં સ્વીમીંગ પુલ પડાવી લીધા બાદ ખોડુ મુંધવાએ ફલેટ પણ પડાવવા માર માર્યાના આક્ષેપ કરી જીતેન્દ્રભાઇ મારૂએ પોલીસના લોક દરબારમાં અરજી કરી હોવાથી પોતાની સામે ખોટા આક્ષેપ સાથેની પોલીસમાં અરજી આપી પોલીસને ગેર માર્ગે દોર્યાનું જણાવ્યું હતું.