વાંકાનેર, બોટાદ અને ભાવનગર માકેટીંગ યાર્ડમાં જીરાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો: જગતાત ખુશખુશાલ
આ વર્ષે જીરાના ભાવ આસમાને આંબ્યા છે. ગઇકાલે સૌરાષ્ટ્રના અલગ અલગ ત્રણ માકેટીંગ યાર્ડમાં જીરાના ભાવ 10 હજારને પાર થઇ ગયા હતા જીરુનો પાક ખેડુતોને બખા થઇ ગયા છે. હજી જીરાના ભાવમાં તેજીનો કરન્ટ ચાલુ જ રહેશે. તેવું જાણકારો માની રહ્યા છે.આ વર્ષે વાતાવરણમાં સતત પરિવર્તન સહિતના કારણોસર જીરાના પાકને પારાવાર નુકશાની થવા પામી છે.
માંગ પ્રમાણે જીરાનું ઉત્પાદન થયું નથી જેના કારણે સિઝનની શરુઆતથી જ જીરાના ભાવ ઉંચા રહ્યા હતા. રોજ જીરુ નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. વાવાઝોડા અને વરસાદના કારણે સતત પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડ બંધ રહ્યા હતા. દરમિયાન ગઇકાલે માકેટીંગ યાર્ડ ખુલતાની સાથે જ જીરાના ભાવમાં ભડકો થઇ ગયો હતો. સૌરાષ્ટ્રના ત્રણ માકેટીંગ યાર્ડમાં પ્રતિ મણ કપાસના ભાવ રૂ. 10000 ને પાર થઇ ગયા હતા.
સોમવારે ગુજરાત ભરમાં માકેટ યાર્ડ ખુલતાની સાથે જ જીરુમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં જીરુના ભાવોએ તમામ રેકોર્ડ તોડી રૂ. 10000 ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. જેમાં વાંકાનેર માકેટીંગ યાર્ડમાં જીરુની ઉંચામાં ઉંચી ખરીદી પ્રતિ મણ રૂ. 10,011 ની બોલાઇ હતી. વાંકાનેર માકેટીંગ યાર્ડમાં 156 કિવન્ટલ જીરાની આવક થઇ હતી. જેમાં હાઇએસ્ટ ભાવ 10,011 અને નીચા ભાવ 8000 નોંધાયો છે.બોટાદ માકેટીંગ યાર્ડમાં પણ જીરાના ભાવે રૂ. 10000 ની સપાટી કુદાવી રૂ. 10,005 એ પહોંચી ગયો હતો. જયારે ભાવનગર માકેટીંગ યાર્ડમાં પણ જીરાના ભાવ હાઇએસ્ટ રૂ. 10,021 એ પહોંચી ગયા હતા.
રાજકોટ માકેટીંગ યાર્ડમાં પણ જીરાના ભાવ સૌથી ઉંચી સપાટીએ રૂ. 9,811 પહોંચી ગયા હતા જીરુ પકવાવનાર ખેડુતોને આ વખતે ખુબ જ સારા પાક મળી રહ્યા છે.જામજોધપુર માર્કેટીંગ યાર્ડ ખુલતા જ જીરાની બજારમાં તેજીનો માહોલ જોવા મળેલ હતો. આજરોજ જામપર ગામમાં ખેડૂત ભીમશીભાઇ નાથાભાઇ કનારાજીરૂ લઇને આવતા તેમને જીરૂના પ્રતિ મણ 10.051 (દશ હજાર એકાવન) ભાવ ઉપજ્યો હતો જે જીરૂ માર્કેટીંગ યાર્ડ બજરંગ એન્ટ પ્રાઇઝમાં આવેલ હતું.