બન્ને કંપનીઓએ પ્રથમ મોટા શહેરોમાં 5G સર્વિસ શરૂ કરશે, બાદમાં ક્રમશ: તેને વિસ્તારશે
ઈન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ ઓગસ્ટ મહિનાથી જ શરૂ થવાની છે. દેશમાં ચાલું મહિને જ જીઓ અને એરટેલ 5જી સેવા શરૂ કરી દેશે. બન્ને કંપનીઓએ પ્રથમ મોટા શહેરોમાં 5જી સર્વિસ શરૂ કરશે. બાદમાં તેને ક્રમશ: તેને વિસ્તારશે.
5જી સ્પેક્ટ્રમની હરાજી બાદ ભારતી એરટેલે મોટી જાહેરાત કરી છે. ભારતી એરટેલે કહ્યું કે તે ઓગસ્ટ 2022માં જ દેશમાં 5જી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. આની સત્તાવાર જાહેરાત કરતાં ભારતી એરટેલે જણાવ્યું હતું કે દેશમાં 5જી લોન્ચ કરવા માટે કંપનીએ નોકિયા, ઇરિકસન, અને સેમસંગ સાથે પણ ભાગીદારી કરી છે.
સુનિલ મિત્તલની આગેવાની હેઠળની ભારતી એરટેલે તાજેતરની 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં 900 મેગાહર્ટઝ, 1800 મેગાહર્ટઝ, 2100મેગાહર્ટઝ, 3300 મેગાહર્ટઝ, અને 26 ગીગાહર્ટઝ બેન્ડમાં કુલ 19867 મેગા હર્ટઝ સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. એરટેલે તેની જાહેરાતમાં જણાવ્યું હતું કે તેની કનેક્ટિવિટી અને સમગ્ર ભારતમાં સેવાઓ માટે એરિક્સન અને નોકિયા સાથે લાંબા સમયથી જોડાણ છે, જ્યારે સેમસંગ સાથે જોડાણ આ વર્ષથી જ શરૂ થશે.
જ્યારે રિલાયન્સ જિયોએ 5જીની સ્પેક્ટ્રમની હરાજીમાં 88,078 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે, એટલે કે 50 ટકાથી વધુ સ્પેક્ટ્રમ પર જીઓનો કબજો છે. 5જી સ્પેક્ટ્રમ હેઠળ 51236 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમે સ્પેક્ટ્રમની હરાજીમાં સૌથી વધુ બોલી જીતી છે. રિલાયન્સે કુલ 24,740મેગા હર્ટઝ સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. રિલાયન્સે 700 મેગાહર્ટઝ, 800 મેગાહર્ટઝ, 1800 મેગાહર્ટઝ, 3300 મેગાહર્ટઝ અને 26ગીગાહર્ટઝ સ્પેક્ટ્રમ માટે બિડ લગાવી છે.
જીઓ 5જી સર્વિસ 15 ઓગસ્ટે લોન્ચ થઈ શકે છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે અમે 5જીની શરૂઆત સાથે આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરીશું. જીઓ એ 22 સર્કલ માટે 5જી સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.
અંબાણીએ એક નિવેદનમાં કહ્યું, અમે હંમેશા માનીએ છીએ કે નવી ટેક્નોલોજી અપનાવવાથી ભારત વિશ્વની એક મોટી આર્થિક શક્તિ બનશે. આ જ વિઝન અને વિશ્વાસએ જિયોને જન્મ આપ્યો. જીઓના 4જી રોલઆઉટની ઝડપ, સ્કેલ અને સામાજિક અસર વિશ્વમાં અજોડ છે અને હવે જીઓ ભારતમાં 5જી ટેક્નોલોજીમાં આગેવાની લેવા માટે તૈયાર છે.
તેમણે વધુમાં કહ્યું, “અમે સમગ્ર ભારતમાં 5જી રોલઆઉટ સાથે ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવીશું. જીઓ સસ્તું 5જી સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સેવાઓ, પ્લેટફોર્મ અને ઉકેલો પ્રદાન કરીશું જે ભારતની ડિજિટલ ક્રાંતિને આગળ ધપાવશે, ખાસ કરીને શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉત્પાદન અને ઈ-ગવર્નન્સ જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં. માનનીય વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા મિશનને સાકાર કરવામાં આ અમારું આગલું ગૌરવપૂર્ણ યોગદાન છે.
દેશમાં 5G ઉપકરણોની સંખ્યા 5 કરોડને વટાવી ગઈ
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ કહે છે કે જૂનમાં ભારતમાં 5જી ઉપકરણોની સંખ્યા 50 મિલિયનને વટાવી ગઈ હતી, જે કુલ 600 મિલિયન સ્માર્ટફોનના લગભગ 12 ટકા હતી. તે કોઈ મોટી સંખ્યા નથી, પરંતુ 5જી હેન્ડસેટ તરફનું વલણ નવા મંડળમાં દેખાવાનું શરૂ થઈ રહ્યું છે. ક્ષીઓમી, સેમસંગ, રિયલ મિ, વિવો, વન પ્લસ અને એપલ ભારતમાં 5જી ફોન પ્રદાતાઓ છે. જેની સરેરાશ કિંમત 15,000 રૂપિયા છે. જ્યારે આ કિંમત 10 હજારથી નીચે આવશે, તો 5જી યુઝર્સની સંખ્યા નોંધપાત્ર રીતે વધવા લાગશે.