પર્યુષણ પર્વ આત્મશુધ્ધિ, ભાવોમાં વૃધ્ધિ, સંયમ, તપ,ત્યાગ અને અધ્યાત્મ ઉર્જાને વિકસિત કરવાની અમૂલ્ય ભેટ છે
પર્યુષણ પર્વના પ્રથમ દિવસનો પાઠ,
કહે છે વેર ઝેરની તોડજો ગાંઠ.
પર્વમાં સર્વશ્રેષ્ઠ પર્વ-પર્વનો રાજા એટલે પર્વાધિરાજ પર્વ
પર્યુષણ પર્વ એટલે શ્રધ્ધા-સાધના-સદ્ગુણોનું પર્વ…।
પર્યુષણ પર્વ એટલે સદ્ગતિનું રીઝર્વેશન અને સિધ્ધપદનું સ્ટેટસ
પર્યુષણ પર્વ એટલે વેરનં વિસર્જન અને સ્નેહનું સર્જનનું પર્વ
પર્યુષણ પર્વનો પ્રથમ દિવસ પ્રેરણા આપે છે કે પાંચ પર્વ
અપનાવી માનવજીવન ધન્ય (2) બનાવી લે.
(1) પ્રતિક્રમણ:- પાપો દૂર કરવાની પ્રોસેસ
(2) પ્રવચન:- પથ્થર જેવા હૃદયંને કોમલ કરનાર પુનિત ઝરણું
(3) પ્રત્યાખ્યાન:- તપથી કર્મની નિર્જરા કરાવનાર ઔષધિ
(4) પ્રશમરસ:- ક્ષમાની ગંગામાં ડુબકી લગાવી પવિત્ર બનો
(5) પ્રક્ષાલન:- આલોચનાથી પ્રશ્ર્ચાતાપથી અંતર
આવા પર્વાધિરાજ પર્વ પધારો, શુધ્ધિકરણ કરીએ. સ્વભાવમાં ફરી સુધારો તપ-જપ-ત્યાગથી મેળવીએ મુકિત મિનારો.
પર્યુષણ-પરિ+વસન્-આત્મભાવમાં સ્થિર થઈ સ્વઘરમા વસવુ તે છે પર્યુષણ
આરાધનાના 4 અક્ષર એજ બોધ આપે છે કે
આ-બ્રાહ્યભાવમાં રાચતા આત્માને અંતરભાવમાં સ્થિર
રા- શરીરનો રાગ છોડો તપ-પ્રત્યાખ્યાનમાં લીન બનો કહેવાય ને કે ભોજન કર્યા છે ભવોભવે તપ કરવો છે આ ભવે.
ધ- ધનનો રાગ છોડી દાનધર્મમાં જોડાઈ જાઓ.
ના- નાશ કરો 4 કષાયોનો.
8 દિવસ સ્વ આત્મામાં વસવું તેને કહેવાય અઠ્ઠાઈઘર આઠ દિવસનું ઘર એટલે અષ્ટાન્હિકા મહોત્સવ જયારે પ્રભુનો જન્મ થાય અથવા કેવળ જ્ઞાન થાય ત્યારે દેવતાઓ આઠ દિવસ મહોત્સવ નંદીશ્વરદ્વીપમાં ઉજવે છે. સિધ્ધના આઠ ગુણોને મેળવવા.
આઠ દિવસની આરાધના છે
જૈનધર્મમાં અષ્ટમંગલનું મહા મહત્વ છે.
સંયમના ભેદ આઠ, યોગના અંગ પણ આઠ છે.
આત્માના રૂચકપ્રદેશ આઠ કર્મના મુખ્ય પ્રકાર આઠ અને સાધક-શ્રમણ-સાધુ ભગવંતની માતા પણ આઠ છે જેને અષ્ટ પ્રવચન માતા કહેવાય છે.
આપણે પણ અઠ્ઠાઈઘરની પ્રત્યેક પળમાં વિશિષ્ટ સાધના-તપ-જપ-સ્વાધ્યાય-આરાધનાથી પર્વાધિરાજ પર્વને હૃદયના ભાવથી આવકારીએ. સાધનાથી સત્કારીએ આત્મગગને અધ્યાત્મ ભાસ્કરના તેજ કિરણો ફેલાવીએ.
અંતરની એક જ પ્રાર્થના કે-
હે નાથ મને કૃષ્ણવાસુદેવ જેવો વિવેક આપજો
હે વિભુ સુબુધ્ધિ પ્રધાન જેવી સદ્બુધ્ધિ આપજો
હે પ્રભુ ચિતસારથી જેવી ચતીરાઈ આપજો
હે વીર ઈન્દ્રભૂતિ (ગૌતમ) જેવી આત્માનુભૂતિ આપજો
મન અને ઈન્દ્રિયોનો નિગ્રહ કરીને આત્મભાવમાં વસીએ કષાયોનું શમન અને વિભાવભાવનું વમન કરીએ.
ક્ષમા વીરસ્ય ભૂષણમ્ના ગુંજાવીએ ગીત,
વ્રત-પ્રત્યાખ્યાન છે મુકિત મેળવવાની રીત,
તન-મનથી તપ ત્યાગમાં લગાવીએ પ્રીત
ધર્મારધાનાથી મેળવવીએ માનવભવની જીત
– અજરામર સંપ્રદાયના બા.બ.શ્રી ગીતાકુમારીજી