પારસી યુવતી સાથે પરણેલા જીન્હા પોતાની પુત્રી અન્ય ધર્મમાં લગ્ન ન કરે તેવું ઈચ્છતા હતા
પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્હાના એક માત્ર પુત્રી દિના વાડિયાનું ગઈકાલે ૯૮ વર્ષની ઉંમરે ન્યુયોર્કમાં નિધન થયું છે. તેમના મોતથી દેશના આઝાદી સમયના જખ્મો ફરી તાજા થયા છે. દિના વાડિયા પારસી યુવાનને પરણવા માંગતા હતા. પરંતુ તે સમયે તેના પિતા જીન્હાએ તેમને એમ કહી ના પાડી હતી કે, ભારતમાં અનેક મુસ્લિમ યુવાનો છે જેમાંથી તે કોઈને પણ પરણી શકે છે. જેનો જવાબ દિના વાડિયાએ આપ્યો હતો અને કહ્યું હતું કે, ભારતમાં અનેક મુસ્લિમ યુવતીઓ હતી છતાં પણ તમે કેમ તેમાંથી કોઈને પરણ્યા નહોતા.
જીન્હાએ પારસી યુવતી સાથે લગ્ન કર્યા હતા. છતાં પણ તેઓ પોતાની પુત્રી કોઈ અન્ય ધર્મના વ્યક્તિ સાથે ન પરણે તેવું ઈચ્છતા હતા. જો કે, દિના તેમના પિતા સાથે સહમત નહોતી. દિના વાડિયાએ પારસી સાથે લગ્ન કરી ભારતમાં વસવાટ કરી લેતા મોહમ્મદ અલી જીન્હાને ધ્રાંસકો લાગ્યો હતો.
મુસ્લિમ દેશ પાકિસ્તાનના સ્થાપક જીન્હાની પુત્રી જ પાકિસ્તાનમાં નહીં પરંતુ ભારતમાં રહેવા માંગતી હતી. તે વાત જીન્હા સહન કરી શકતા ન હતા. જેથી ત્યારબાદ જીન્હાએ પોતાની પત્ની અને પુત્રીને છોડી દીધા હતા.
જીન્હાને પોતાની પુત્રીનો પારસી નેવીલ વાડિયા સાથેનો રોમાન્સ પસંદ ન હતો. દિના વાડિયાના પરિવારમાં વાડિયા ગ્રુપના ચેરમેન નુસ્લી વાડિયા, પુત્રી ડાયના વાડિયા અને પૌત્ર નેસ-જેહ વાડિયા છે. નુસ્લી વાડિયા બોમ્બે ડાઈંગના ચેરમેનની જવાબદારી નિભાવે છે.
દિના વાડિયાનો જન્મ વર્ષ ૧૯૧૯માં ૧૫મી ઓગષ્ટે થયો હતો. પાકિસ્તાન તેમના જન્મના બરાબર ૨૮ વર્ષ બાદ ભારતથી છુટુ પડયું હતું.