બજાણા, ઝુંઝુવાડા પોલીસ અને એસઓજીએ મોડીરાતે દરોડો પાડી ટ્રક અને દારૂ મળી ૩૩.૧૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો
સુરેન્દ્રનગરના ઝુંઝુવાડા વિસ્તારના રણ વિસ્તારમાં નામચીન બુટલેગરે વિદેશી દારૂ નો જંગી જથ્થો મગાવ્યાની બાતમીના આધારે ઝુંઝુવાડા, બજાણા અને એસઓજીએ સયુંકત દરોડો પાડી રૂ.૨૨.૭૦ લાખની કિંમતની ૨૩,૧૩૬ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. દરોડા દરમિયાન બંને નામચીન બુટલેગર ફરાર થતા શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝુંઝુવાડાના શત્રુભા દિલુભા ઝાલા અને મહિપતસિંહ હમીરસિંહ ઝાલા વિદેશી દારૂ મગાવી રણ વિસ્તારમાં કટીંગ કરતા હોવાની બાતમીના આધારે બજાણા પી.એસ.આઇ. વી.બી.કલોતરા, ઝુંઝુવાડાના પી.એસ.આઇ. આર.આર.બંસલ અને એસ.ઓ.જી. પી.એસ.આઇ. એસ. બી. સોલંકી અને એચ. એમ. રાણા સહિતના સ્ટાફે સયુંકત દરોડો પાડયો હતો.
બજાણા પોલીસે રૂ.૨૨.૭૦ લાખની કિંમતની ૨૨,૭૦૪ બોટલ વિદેશી દારૂ ઝડપી રૂ.૧૦ લાખની કિંમતનો એચ. આર. ૬૯એ-૨૫૦૮ નંબરનો ટ્રક કબ્જે કરી શત્રુભા ઝાલા અને મહિપતસિંહ ઝાલા સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન એસ.ઓ.જી.સ્ટાફે દરોડો પાડી રૂ.૪૩,૨૦૦ની કિંમતની ૪૩૨ બોટલ વિદેશી દારૂ કબ્જે કરી શત્રુભા ઝાલા અને મહિપતસિંહ ઝાલા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. બંને બુટલેગર આ પહેલાંના દરોડામાં પણ વોન્ટેડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.