બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયેલો ઝુલતો પુલ પાંચમાં દિવસે તુટી પડતા 135 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા
1262 પેઇજનું પોલીસે તહોમતનામું તૈયાર કયુ: પિતા-પુત્ર સહિત નવ સામે ગુનો નોંધાયો હતો
મોરબીના રાજાશાહી સમયના ઝુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનશનો કોન્ટ્રાકટ નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપને બારોબાર અપાયો હતો. ઝુલતા પુલ બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયો હતો અને પાંચમા દિવસે તુટી પડતા 135 નિર્દોષના મોત નીપજ્યા હતા. આ અંગે પોલીસમાં પિતા-પુત્ર સહિત નવ સામે ગુનો નોંધાયો હતો.
દુર્ધટના અંગે મુખ્ય સુત્રધાર જયસુખ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. બીજી તરફ હાઇકોર્ટમાં દાખલ થયેલા સુઓમોટો દાખલ થતા રાજયની વડી અદાલત દ્વારા રાજય સરકાર અને નગરપાલિકાના જવાબદારો સામે આકરી આલોચના કરી કડક કાર્યવાહી કરવાના આપેલા નિર્દેશના પગલે પોલીસે ચાર્જશીટ તૈયાર કરી મોરબી કોર્ટમાં રજુ કર્યુ છે. તેમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ નાસતા ફરતા તરીકે બતાવવામાં આવ્યું છે.
હાઇકોર્ટના આકરા વલણને કારણે તંત્રમાં અને પોલીસમાં અચાનક હિમ્મત આવી ગઇ હોય તેમ ચાર્જશીટમાં જયસુખ પટેલના નામ સાથે તહોમતનામું કોર્ટમાં રજુ કરવામાં આવતા તેનો ગમે ત્યારે ધરપકડક કરવાનો માર્ગ મોકળો બન્યો છે. જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. તેની હજી સુનાવણી બાકી છે. જયસુખ પટેલ આગોતરા જામીન મેળવી નાટયાત્મક રીતે હાજર થઇ જશે તેમ જાણકારો કહી રહ્યા છે.
મોરબી 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં અંતે ઝૂલતા પુલનો સારસંભાળનો કોન્ટ્રાકટ રાખનાર અજંતા ઓરેવા ગ્રુપના કર્તાહર્તા જયસુખ પટેલને આરોપી બનાવાયા છે, આજે મોરબી નામદાર કોર્ટમાં રજૂ થયેલ ચાર્જશીટમાં તપાસનીશ અધિકારી દ્વારા 1262 પાનાનું ચાર્જશીટ રજુ કરી કુલ 10 આરોપીઓ વિરુદ્ધ તોહમતનામું ફરમાવામાં આવ્યું છે.
30 ઓક્ટોબરની ગોઝારી સાંજે મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા નાના બાળકો, મોટેરાઓ સહીત કુલ 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજતા મોરબી જ નહીં સમગ્ર ગુજરાત સહીત વિશ્વભરમાં હાહાકાર મચી જતા સ્થાનિક પોલીસ દ્વારા ઝૂલતા પુલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના બે મનેજર, ટિકિટ ક્લાર્ક, સિક્યુરિટી, ઝૂલતા પુલ મરામતનો કોંન્ટ્રાકટ રાખનાર પિતા-પુત્ર સહિત કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તત્કાલ ધરપકડ કરી હતી પરંતુ મોરબી નગરપાલિકા અને અજંતા ઓરેવા વચ્ચે થયેલા કરારમાં સહી કરનાર અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો ન હતો.
બીજી તરફ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર આ દુર્ઘટનામાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો રીટ પિટિશન દાખલ કરી તપાસમાં ઢીલ, મોરબી પાલિકાની બેદરકારી સહિતની બાબતો ઉજાગર કરતા અંતે આ ચકચારી કેસમાં અજંતા-ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ અને લુક આઉટ નોટિસ ઈશ્યુ થઇ હતી અને 90 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનું હોય આજરોજ તપાસનીશ અધિકારી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ કરવામાં આવતા આજે જયસુખ પટેલ સહિત કુલ 10 આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304, 308, 336,338 અને 114 મુજબ 1262 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસમાં સ્પેશીયલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે એસ. કે. વોરા રોકાયા છે.