છ વર્ષના ટૂંકાગાળામાં 40 કરોડની થાપણ અને 42 કરોડની લોન સાથે મંડળીની મહિલાઓ અન્ય મહિલાઓને બનાવી રહી છે આત્મનિર્ભર
“સહકારી ક્ષેત્ર” એટલે લોકોને ઓછા વ્યાજદરે આર્થિક રીતે મદદ કરીને તેમના રોજગાર-ધંધા અને સ્વપ્નોને પૂરા કરવાના હેતુ સાથે ધબકતું ક્ષેત્ર. સહકારી ક્ષેત્રની આ વિચારધારાને સારી રીતે પરિપૂર્ણ કરે છે રાજકોટ જિલ્લાની ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી.
“સહકારથી સમૃધ્ધિ”ના સૂત્રને ચરિતાર્થ કરતી ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળીના ઉદભવ વિશે વાત કરતાં મેનેજર અશોકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આજદિન સુધી મેં અનેક જગ્યાએ નોકરી કરી છે પણ જ્યારે મને ખબર પડી કે મારી ગૌરીદળ ગામની ઓફીસમાં સફાઈ કામ કરતી મહિલાઓ રોજગારને વેગ આપવા અને ઘરની જરૂરીયાતોને પુરી કરવા ઊંચા વ્યાજદરે ધિરાણ લઈને જીવન જીવી રહ્યા છે.
ત્યારે આ વાતે મારા મન ઉપર ઉંડી અસર કરી અને વિચાર આવ્યો કે સહકારી ક્ષેત્રની વ્યાખ્યાને સાબિત કરતી મંડળીની રચના કરવી જોઈએ, જેમાં આર્થિક શોષણ થયા વિના મહિલાઓનો સામાજિક અને આર્થિક ઉત્કર્ષ સુનિશ્ચિત થાય. બસ, આ વિચારને અમલમાં મુકીને માત્ર 100 બહેનોના સહકાર સાથે વર્ષ 2016માં 80 થી 85 લાખના ધીરાણ સાથે ઝાંસી લક્ષ્મીબાઈ મહિલા શરાફી મંડળની શરૂઆત કરી હતી.
સહકારના અમૃતબિંદુ સાથે ભાડાના મકાનથી શરૂ કરીને આજે પોતાની માલિકીની અસ્કયામતમાં ઝાંસીની મહિલા મંડળીમાં વિશ્વાસના તાંતણે આજે 8000થી વધુ મહિલા સભ્યો જોડાયા છે. જેમાંથી અત્યારે 4000 મહિલાઓએ પર્સનલ લોન મેળવી છે. છ વર્ષના ટુંકાગાળામાં મંડળી રૂ. 42 કરોડની ધીરાણ, રૂ. 40 કરોડની થાપણ, રૂ. 6 કરોડની શેર કેપીટલ અને રૂ. 7 થી 8 કરોડની સરપ્લસ સાથે મંડળીએ અનેક મહિલાઓના જીવનમાં રોનક લાવી છે. તેમની સમસ્યાઓને સાંભળીને કોઈ પણ પ્રકારના ફોર્મ ચાર્જ લીધા વિના, આંટીઘુંટી ભર્યા નિયમો વિના બહુ સરળતાથી ન્યુનત્તમ વ્યાજના દરે પર્સનલ લોન આપવામાં આવે છે. કોરોના કાળમાં મંદ પડેલા રોજગાર-ધંધાને ફરી ઉભા કરવા રાજયસરકારે આત્મનિર્ભર લોન જાહેર કરી હતી. જે અંતર્ગત અમારી મંડળીએ આશરે 46 મહિલાઓને 2 ટકાના વ્યાજે રૂપિયા 1 લાખની લોન આપી હતી. મંડળીને શરૂ કરવામાં રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીનો સક્રિય સહયોગ મળ્યાનું મેનેજરશ્રી અશોક સોલંકીએ જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા રજિસ્ટ્રારશ્રી વિશાલ કપુરીયાએ ઝાંસી મહિલા શરાફી મંડળીને સ્ત્રી સશક્તિકરણનું સચોટ ઉદાહરણ દર્શાવતા કહ્યું હતું કે, હાલના તબક્કે સહકાર ક્ષેત્રે મહિલાઓની સહભાગિતામાં વધારો કરવા માટે ઝાંસી મહિલા શરાફી મંડળી જેવી સંસ્થાઓ મહત્વની ભુમિકા અદા કરી રહી છે. સહકારથી સમૃધ્ધિના આયામ સર કરતી આ મંડળી મહિલાઓને આત્મનિર્ભર તો બનાવી જ રહી છે સાથો સાથ અન્ય સંસ્થાઓ અને સહકાર ક્ષેત્રે સહભાગિતા, મહિલા ઉત્થાન અને સ્ત્રી સશક્તિકરણ માટે દિશાસુચક છે.
મંડળી સાથે છેલ્લા સાત વર્ષથી એકાઉન્ટંટ તરીકે કામ કરતાં સજ્જનબેન રાઠોડે કાર્યાનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મંડળી પરિવારની ભાવના સાથે ચલાવવામાં આવે છે.
મંડળીમાંથી પર્સનલ લોન લઈને પુત્રવધુને આર્થિક રીતે સ્વતંત્ર બનાવનાર શિલ્પાબેન ભટ્ટીએ કહ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આ મંડળી સાથે જોડાયેલી છું. પર્સનલ લોન લઈને મેં ઘરનું રીનોવેશન કરાવ્યું, પુત્રવધુને પાર્લરનો વ્યવસાય શરૂ કરાવીને જાતે કમાતી કરી.
અહીંનો સ્ટાફ પણ ખૂબ સહયોગી છે. ઝાંસી ધનલક્ષ્મી, ઝાંસી પુત્રી રત્ન, ઝાંસી વીરાંગના, ઝાંસી ધનવૃધ્ધિ, ઝાંસી આવક યોજના પારદર્શક યોજનાઓને કારણે મહિલાઓ ભવિષ્ય માટે બચત કરી શકે છે. ઝાંસી મંડળીએ મહિલા માટે સહકારને સાચા અર્થમાં સાકાર કર્યું છે.
સહકારની ભાવના અને મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી મંડળીનો સમગ્ર સ્ટાફ મહિલાઓનો જ છે. બોર્ડ મેમ્બરની 15 મહિલા સભ્યોથી લઈને એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર, આસીસ્ટન્ટ સોફટવેર ડેવલપમેન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, કેશિયર, લોન ઓફિસર, રીકવરી ઓફિસર, રીકવરી કો-ઓર્ડીનેટર, કેરટેકર, પ્યુન વગેરે તમામ જગ્યાઓ મહિલાઓ જ દક્ષતાપૂર્વક સંભાળી રહી છે.