સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં કપાસનું 18,02,400 હેકટરમાં જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર
ઝાલાવાડમાં ચોમાસાના આગમન પહેલા જ ખેડૂતોએ આગોતરા વાવેતરથી વાવેતરની શરુઆત કરી હતી. જિલ્લામાં તા.ઠ્ઓગસ્ટ સુધીમાં સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે. તેની સામે ખેડૂતોએ 92 ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરી દીધુ છે. જિલ્લામાં 6,24,546 હેકટર જમીન વાવેતર લાયક છે. જેમાંથી દર વર્ષે સામાન્ય રીતે 5 થી 5.50 લાખ હેકટર જમીનમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં જિલ્લાની 5,75,562 હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયુ છે. જેમાંથી 4,00,119 હેકટર જમીનમાં મુખ્ય પાક એવા કપાસનું વાવેતર થયુ છે.
ઝાલાવાડમાં થયેલ કપાસનું આ વાવેતર તા. 4 ઓગસ્ટ સુધીમાં રાજયભરમાં અવ્વલ નંબરે હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં રાજય સરકારના એગ્રીકલ્ચર, ફામર્સ વેલ્ફેર એન્ડ કો.ઓપરેશન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં રાજયભરમાં 25,04,400 હેકટરમાં કપાસનું વાવેતર થયુ છે. જેમાંથી સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 18,02,400 હેકટરમાં કપાસ વવાયો છે. આ 11 જિલ્લામાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર થયુ છે. હાલ જિલ્લામાં કપાસનું વાવેતર 4,00,119 હેકટર સુધી પહોંચ્યુ છે. જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકો પ્રથમ નંબરે છે. તાલુકાના ખેડૂતોએ 75,240 હેકટરમાં કપાસનું વાવેતર કર્યું છે.
કપાસના સારા ભાવ મળતા વાવેતર વધ્યાનો અંદાજ
જિલ્લામાં કપાસના ભાવ એક સમયે પ્રતિ મણ 700થી 800 સુધી તળીયે પહોંચી ગયા હતા. ત્યારબાદ કપાસના ભાવ 1000 થી 1100 થયા હતા. જયારે ગત વર્ષે માર્કેટીંગ યાર્ડોમાં કપાસનો ભાવ પ્રતિ મણ 1500થી 1600 થયો હતો. આથી કપાસના સારા ભાવ મળતા ખેડૂતોએ કપાસનું વિક્રમી વાવેતર કર્યું છે.
જિલ્લામાં 21,174 હેકટરમાં મગફળીનું વાવેતર
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી, સાયલા, થાન, ધ્રાંગધ્રા તાલુકાઓ કે જ્યાં પથ્થરાળ અને મગફળીના વાવેતરને અનુકુળ જમીન આવેલી છે. ત્યાંના ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 21,174 હેકટરમાં મગફળીનું વાવેતર થઇ ચૂક્યુ છે. જેમાં સૌથી વધુ મૂળી તાલુકામાં 6137 હેકટરમાં ખેડૂતોએ મગફળી વાવી છે.
કપાસના હબ ગણાતા ઝાલાવાડમાં ટેક્સ્ટાઈલ પાર્ક લાવવા માટે ચાલી રહેલ તૈયારીઓ
ઝાલાવાડમાં આ વર્ષે કપાસનું વિક્રમી વાવેતર થયુ છે. ઝાલાવાડમાં તા. 6 ઓગસ્ટ સુધી કપાસનું થયેલ 4,00,119 હેકટરમાં વાવેતર રાજયમાં પ્રથમ નંબરે છે. ત્યારે કપાસના હબ ગણાતા ઝાલાવાડમાં ટેકસટાઇલ પાર્ક સ્થાપવા જિલ્લાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે.
જિલ્લાના ખેડૂતો કઠોળનું વાવેતર પણ કરે છે
ઝાલાવાડના ખેડૂતો મુખ્ય પાક કપાસની સાથે સાથે ખેતરની અમુક જગ્યામાં કઠોળનું પણ વાવેતર કરે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 1656 હેકટરમાં મગનું વાવેતર થયુ છે. જેમાં સૌથી વધુ મૂળી તાલુકામાં 440 હેકટરમાં મગ વવાયા છે. જ્યારે 2717 હેકટરમાં અડદનું વાવેતર પણ ખેડૂતોએ હોંશભેર કર્યું છે. અડદના વાવેતરમાં લખતર તાલુકો મોખરે છે. લખતર તાલુકાના ખેડૂતોએ 1660 હેકટરમાં અડદનું વાવેતર કર્યું છે.