૨૫૦ ગ્રામ સોનાના ઘરેણા ભરેલી થેલી ટેબલ પર રાખી વૃદ્ધ અન્ય સાથે ચર્ચામાં વ્યસ્ત બનતા દાગીના ગુમાવ્યા: સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ
પાલિતાણામાં એસ.ટી.રોડ પર આવેલા મેડીકલ સ્ટોરના માલિક જૈન વૃદ્ધ આજે બેંક સમયે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રની દરબારગઢ ચોકમાં આવેલી શાખામાં બેંક લોકરમાંથી દાગીના લેવા માટે ગયા હતા. તેઓએ લોકરમાંથી ૨૫૦ ગ્રામ વજનના કિંમત રૂ.૮.૫૦ લાખના સોનાના દાગીના કાઢી થેલીમાં મુકી લોન વિભાગમાં કામ હોય ત્યાં ગયા હતા. થેલી ટેબલ પર મુકી તેઓ કામમાં રોકાયા હતા. તે દરમિયાન છેલ્લી ૧૫ મિનિટથી વૃદ્ધની પાછળ પાછળ ફરતો માત્ર ૧૫ વરસનો સગીરે વૃદ્ધની નજર ચુકવી દાગીના ભરેલી થેલી લઈ રફુચકકર થઈ ગયો હતો.
પાલિતાણામાં એસ.ટી.રોડ પર આવેલ ઓકે મેડિકલ સ્ટોરના માલિક કચ્છી હરેશભાઈ પ્રવિણભાઈ જૈન (ઉ.વ.૬૫) આજે સવારના ૧૦:૪૫ કલાકે પોતાના સ્કુટર પર પાલિતાણામાં મેઈન બજારમાં આવેલ દરબાર ચોક મુખ્ય બ્રાન્ચ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં આવેલા પોતાના લોકરમાંથી સોનાના દાગીના લેવા માટે ગયા હતા. તેઓએ પ્રથમ લોકરમાંથી રૂ.૮.૫૦ લાખની કિંમતના ૨૫૦ ગ્રામ સોનાના દાગીના લઈ થેલીમાં મુકી લોનના કામ માટે લોન વિભાગમાં ગયા હતા. જયાં લોન વિભાગના અધિકારી સાથે ચર્ચા તેમજ તેઓ પાસેથી નો-ડયુ પ્રમાણપત્ર લેવાનું હોવાથી અધિકારીએ તેમને થોડો સમય બેસવાનું કહેતા તેઓ દાગીનાની થેલી બાજુના ટેબલ પર મુકીને અન્ય અધિકારી સાથે ચર્ચા કરતા હતા. તે દરમિયાન છેલ્લી ૧૫ મિનિટથી વૃદ્ધની પાછળ પાછળ ફરતા માત્ર ૧૫ વરસની ઉંમરનો ટેણીયો ટેબલ પરથી દાગીનાની થેલી લઈ પલકવારમાં છુમંતર થઈ ગયો હતો.
તે દરમિયાન બેંક અધિકારીની ધ્યાન જતા અને તેઓએ હરેશભાઈને જણાવેલ કે તમારી સાથેનો છોકરો થેલી લઈ બહાર ગયો છે. ત્યારે વૃદ્ધ હરેશભાઈએ જણાવેલ કે મારી સાથે તો કોઈ હતુ નહીં ! હું એકલો જ આવ્યો છું. જેથી કશુંક અજુગતુ બન્યાની ગંધ આવી જતા તુરંત જ બેંકના ઈન્ચાર્જ મેનેજર લેહરી તથા હરેશભાઈ કચ્છીએ બેંકના દરવાજા સુધી તપાસ કરી પરંતુ સગીર હાથ લાગ્યો ન હતો.
આ અંગે તુરત જ બેંકના ઈન્ચાર્જ મેનેજરે પોલીસને જાણ કરતા પી.આઈ માંજરીયા કાફલા સાથે બેંકમાં દોડી ગયા હતા અને પોલીસે સીસીટીવી ફુટેજ તપાસતા બેંકના કેમેરામાં બાળ આરોપી દેખાયો હતો પરંતુ મુખ્ય ચોક ભૈરવનાથમાં સીસીટીવી કેમેરા મુકેલા છે તે બંધ હોવાનું જાણવા મળેલ. નિયમો મુજબ આ વિસ્તારમાં મોટાભાગના વેપારીઓએ સીસીટીવી કેમેરા મુકેલા નથી. ઉપરાંત આજરોજ બેંક મેનેજર અને અન્ય સ્ટાફના બે કર્મચારીઓ રજા પર હતા.
આ ઘટના અંગે પાલિતાણા ટાઉન પોલીસે સઘન તપાસ હાથધરી છે. આ બનાવ અંગે હરેશભાઈએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂ.૬ લાખની દાગીનાની ઉઠાંતરીની ફરિયાદ નોંધી છે.