નળ-ગટર કનેકશન કાપવા ગયેલ નગરપાલીકા ટીમના બુલડોઝર સામે મહિલાઓનો મોરચો-મકાન ખાલી ન કરાવવા સુત્રોચ્ચાર
જેતપુરના બાવાવાળાપરા વિસ્તાર પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીના 168 બ્લોકનો હાઉસીંગ બોર્ડના ઇજનેરના સર્વેમાં મોટાભાગના બ્લોક જર્જરિત જણાતા બોર્ડ બ્લોક ખાલી કરાવવાના પગલાં રૂપે પાણીના અને ભૂગર્ભ ગટરના કનેક્શન કાપવાનો નગરપાલિકાને હુકમ કરતા નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કનેક્શન કાપવા પહોંચતા મોટી માથાકૂટ સર્જાય હતી. સ્થાનિક મહિલાઓ બુલડોઝર મશીન સામે બેસી મકાન સામે મકાનની માંગ કરી હતી.
જામનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીમાં એક જર્જરીત થઈ ગયેલ એક બ્લોક ધરાશાઈ થવાની દુર્ધટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે, જે અનુસંધાને રાજ્યભરમાં જર્જરિત ઇમરતોના સર્વે શરૂ થયાં છે, જેમાં જેતપુરના બાવાવાળાપરા વિસ્તાર પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીના 168 બ્લોકનો હાઉસીંગ બોર્ડના ઇજનેર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના બ્લોક જર્જરિત જણાતા બોર્ડ દ્વારા બ્લોક ખાલી કરાવવાના પગલાં રૂપે પાણીના અને ભૂગર્ભ ગટરના કનેક્શન કાપવાનો નગરપાલિકાને હુકમ કર્યો હતો.
આ હુકમને અનુસંધાને નગરપાલિકાની ટીમ બુલડોઝર મશીન, મજૂરો અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી પાણી અને ભૂગર્ભ કનેકશન કાપવાની કામગીરી હાથ ધરી હતી. આ બાબતે સ્થાનિકોને જાણ થતાં 168 બ્લોકના રહેવાસીઓ એકઠા થઇ નગરપાલિકાની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અને બુલડોઝર આડે મહિલાઓ બેસી હાઉસીંગ બોર્ડ હાય હાય નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા.
આ અંગે મહિલાઓએ જણાવેલ કે, અમો અહીં રહેનારા તમામ લોકો મજૂરી કામ કે પારકા કામ કરી ગુજરાન ચલાવે છે એટલે કોઇ આર્થિક સંપન્ન નથી અત્યારે ચોમાસુ પણ ચાલુ છે અમે રહેવા ક્યાં જઈએ જેથી અમારી માંગ છે કે મકાન સામે મકાનની હાઉસીંગ બોર્ડ કે નગરપાલિકા વ્યવસ્થા કરી આપે તો અમો મકાન ખાલી કરી આપશુ નહિતર અમે અહીં મરી જઈશું પણ મકાન ખાલી નહિ કરીએ.