મૃતકોના પરિવારજઓએ વળતર ન મળે તો મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર : સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
જેતપુર તાલુકાના દેવકીગાલોર ગામ પાસે યાત્રાળુઓ માટે બની રહેલા ઉતારાના બાંધકામમાં ટ્રકમાંથી ક્રેઇન વડે માર્બલ ઉતારતી વેળાએ માર્બલ તૂટી પડતા ત્રણ મજૂરો તેની નીચે મારબલ દબાઈ ગયા હતાં. સાથી મજૂરોએ ત્રણેયને મહામહેનતે બહાર કાઢતાં એક મજૂરનું ત્યાં જ મોત નીપજ્યુ હતું. જ્યારે બીજા બે મજૂરને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં જે પૈકી એકનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું અને અન્ય શ્રમિકની તબીયત ગંભીર જાણવા મળ્યું છે.
વિગતો અનુસાર દેવકીગાલોર ગામ પાસે જુદા જુદા યાત્રાધામ જતાં યાત્રાળુઓ માટે એક વિશાળ ઉતારો બની રહ્યો છે. આ ઉતારાના બાંધકામ માટે માર્બલનો એક ટ્રક ગઈકાલે આવ્યો હતો. જેમાં માર્બલ ટ્રકમાંથી ક્રેઇન વડે ઉતારતી વેળાએ અકસ્માતે માર્બલ નીચે પટકાતા ત્રણ મજૂરો તેની નીચે દબાઈ ગયાં. ત્યારે તત્કાળ શ્રમિકોએ એકજોર લગાવી માર્બલ હટાવી દબાયેલા મજૂરોને બહાર કાઢ્યા હતાં. જેમાં મહંમદ નઈમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
જ્યારે બીજા બે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જેમાં આદિલ બકીલ બંજારાનું પણ મોત થતાં શ્રમિકોમાં ગમગીની છવાઇ હતી. બે મજૂરોના મોત થતાં સાથી મજૂરોએ મૃતકોને તાત્કાલિક વળતર મળે તો જ મૃતદેહ પીએમ માટે લઈ જવા દેવાશે તેવી માંગ કરતા બાંધકામના સુપર વાઇઝર હરેશભાઇ દ્વારા તાત્કાલીક વળતરની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.