ધોલાઈ ઘાટના પ્રશ્ને ચાલતી અદાવતના કારણે કાવતરૂ રચી છ શખ્સો ઢીમઢાળી દીધાનો નોંધાતો ગુનો
મૃતકના પરિવાર દ્વારા કરાયેલા વળતા હુમલાના કારણે ગામમાં ચુસ્ત બંદોબસ્ત
જેતપુરના મોણપર ગામે ગઈકાલે કૌટુંબીક ભાઈઓનાં બે જુથ વચ્ચે ધોલાઈ ઘાટ મામલે ઝઘડો થતા એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. જયારે બીજા પક્ષના યુવાનને ગંભીર ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવથી પંથકમાં તંગદીલી સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારી દઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ંહતો. જયારે આ મામલે પોલીસે 6 શખ્સો સામે હત્યાની કલમનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર અઠવાડીયા પહેલા સાડીના ઘાટ મામલે મોણપર ગામ ખાતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ માથાકૂટના કારણે બંને જૂથ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો અને તેનો ભયાનક અંજામ આવ્યો છે. જેમાં જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલ દેરડી ગામે બેઠા હતા ત્યારે હરીફ જૂથના રવુભાઈ ધાંધલે તેમના પર હુમલો કર્યો હતો. કુહાડી અને ધારીયા જેવા હથિયારોથી હિચકારો હુમલો થતા બંને પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
દરમિયાન જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલ અને સામાપક્ષે રવુભાઈ ધાંધલ ઘાયલ થયા હતા. ઘાયલ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોકટરે જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રવુભાઈ ધાંધલને ગંભીર ઈજાઓ પહોંચ્યા સારવાર માટે પ્રથમ જેતપુર બાદ જુનાગઢ રિફર કરાયા હતા
આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને જુથ વિરૂધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ હોસ્પિટલ ખાતે એક પક્ષ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે જ્યારે બીજૂ જૂથ સારવાર માટે હાજર હોય મોટી તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના પગલે પોલીસે કોઈ ઘર્ષણ કે અગમ્ય ઘટના ન ઘટે માટે ભારે બંદોબસ્ત મુકી દેવાયો હતો.
આ જુથ અથડામણમાં જેઓની હત્યા થયેલ છે તે જગુભાઈ ઉર્ફે કટુભાઈ ધાંધલ જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ધાંધલના કૌટુબીક થાય છે.આ ઘટનાને પગલે તાલુકાનાં દેરડી ગામે તેમજ જેતપુર સરકારી હોસ્પીટલમાં કાઠી દરબારોનાં ધાડેધાડા ઉમટી પડયા છે. આ ઘટનાને પગલે પરિસ્થિતિ વણસે નહિં તે માટે પોલીસે દેરડી તથા મોણપર ગામે બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ દરમિયાન બનાવમાં પોલીસને જેતપુર સરકારી હોસ્પિટલમાં થી હથીયારો ભરેલી ડઞટ કાર પણ પકડી પાડી હતી આ બનાવ અંગે મૃતક જગુભાઈ ઉર્ફે કટુભાઈના મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટ ખાતે મોકલી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
મૃતકના ભત્રીજા કિશોરભાઈ ધાંધલે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદ મુજબ કટુભાઇ આજે વહેલી સવારે તેમના ઘરે હતા ત્યારે રવુભાઈ, બાઘુભાઈ, ભાવેશભાઈ ભીખુભાઇ ધાંધલ, પ્રકાશભાઈ દાદભાઈ ધાંધલ અને દેવકુભાઈ દાદભાઈ ધાંધલ તેમને ઘરે મારવા માટે આવેલ હતાં. કટુભાઈ આ હુમલાખોરોથી બચી તેમના વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવા જેતપુર આવતા હતાં ત્યારે રસ્તામાં રવુભાઈ અને તેના પિતા બાઘુભાઈ દેરડી ગામે ગાડીમાં આવી કટુભાઈ પર હથીયારો વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી નાંખી હતી. પોલીસે ફરિયાદીની ફરીયાદ પરથી બાઘુભાઈ, તેમનો પુત્ર રવુભાઈ સામે હત્યાની અને મુન્નાભાઈ ઉર્ફે ભુપતભાઇ ભીખુભાઇ ધાંધલ રહે જેતપુર, ભાવેશભાઈ ભીખુભાઇ ધાંધલ, પ્રકશભાઈ દાદભાઈ ધાંધલ, દેવકુભાઈ દાદભાઈ ધાંધલ રહે તમામ આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.