પ્યુનને રસ્તામાં આંતરી કારમાં ઉઠાવી આંખે પાટો બાંધી મોબાઈલ અને રોકડ ઉઠાવી હાઈવે પર છોડી દીધો તો
જેતપુર-જૂનાગઢ ધોરી માર્ગ પર પેઢલા ગામ નજીક રાજકોટ જિલ્લા બેંકના કર્મચારીને આંતરી કારમાં અપહરણ કરી આંખે પાટા બાંધી રોકડ અને આઈફોનનીલૂંટ ચલાવી અવવારૂ સ્થળે ઉતારી નાશી ગયેલા ચાર લૂંટારૂ હાથ વેંતમાં છે.
વિગતો મુજબ જૂનાગઢ જોશીપુરા ધનલક્ષ્મી પાર્કમાં રહેતા વિશાળ કડવાભાઈ સાવલીયા (ઉ.35) પટેલ યુવાને જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આઈ-20 કારમાં આવેલ ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે,છેલ્લા દશ વર્ષથી જેતપુરના પાંચ પીપળા ગામે આવેલ જિલ્લા સહકારી બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે.અને જૂનાગઢથી બાઈક પર અપડાઉન કરે છે.બુધવારે સાંજે ફરિયાદી યુવાન પોતાની નોકરી પતાવી બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો ત્યારે પેઢલાના રસ્તે આઈ-20 કાર તેનો પીછો કરી રહી હતી. યુવાન બાઈક લઈ હાઈ-વે પર ચડયા બાદ જેતલસર જંકશન પાસે ફરિયાદી યુવાનના બાઈકને પાછળથી કાર ચાલકે હડફેટે લઈ પછાડી દીધા હતાં.ત્યારબાદ કારમાંથી એક શખ્સ નીચે ઉતરી ફરિયાદી યુવાનને કારમાં બેસી જવા કહ્યું હતું. આ વખતે ક્રેટા કાર આવીને ઉભી રહેતા આરોપીઓએ પોતાનો પ્લાન પડતો મુકી ચાલતી પકડી હતી.
ફરિયાદી યુવાને ક્રેટા કારના ચાલકને પોતાની આપવીતી કહ્યા બાદ કાર ચાલકે સાંત્વના પાઠવી તમે બાઈક લઈ આગળ ચાલો હું તમારી પાછળ આવું છું તેમ કહ્યું હતું.સંધ્યા ટાળુ થઈ ગયું હોય ફરિયાદી યુવાન બાઈક ધીમુ ચલાવતો હોય જેના કારણે ક્રેટા કારનો ચાલક આગળ નીકળી ગયા બાદ થોડીવારમાં ફરિયાદી યુવાન બાઈક પર પીપળવાના પાટીયે પહોંચ્યા ત્યાં ફરી આઈ-20 કારમાં રહેલા ચાર શખ્સોએ તેને આંતરી લીધો હતો. અજાણ્યા શખ્સોએ બેંકના પટ્ટાવાળા યુવાનનું કારમાં અપહરણ કરી આંખે પાટા બાંધી ઢીકાપાટુનો માર મારી ખીસ્સામાંથી 500ની રોકડ, આઈફોન અને સોનાનો ચેઈન મળી કુલ. 92,500ની માલમત્તાની લુંટ ચલાવી હાઈવે પર જુદા જુદા સ્થળે ફેરવ્યા બાદ ફરિયાદી યુવાન પાસે 20 લાખની માંગણી કરી ધમકી આપી કારમાંથી ઉતારી મુકયો હતો.
અપહરણકારોની ચુંગલમાંથી મુકત થયેલ યુવાને પોતાની આંખના પાટો ખોલતા હાઈવે પર જાનકી હોટલ નજીક ઉભો હતો અને બાજુમાં તેનું બાઈક પડયું હતું.આ ઘટનાની યુવાને માતા અને મામાને વાત કરતાં બીજા દિવસે જેતપુર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણ, લુંટનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અપહરણ લુંટનો ભેદ ઉકેલવા જેતપુરથી જૂનાગઢ સુધીના હાઈ-વે હોટલના સીસટીવી ફુટેજ મેળવી તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવાન વિશાલ સાવલીયાને અગાઉ આંચકી ઉપડતાં હાથે પગે ફિઝીકલ હેન્ડીકેમ થઈ ગયો હોય જેના કારણે લુંટારૂઓનો પ્રતિકાર કરી શકયો નહીં હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
ફરિયાદીના વર્ણન અને સીસીટીવીના આધારે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. પી.કે. શામળા સહિતના સ્ટાફે પગેરૂ દબાવી લૂંટારૂ હાથ વેંતમાં છે.