મળેલા ફોન બાબતે પોલીસના ફોન આવવા લાગતા આફતાબ ડરી ગયો હતો રાજકોટમાં પોલીસ કચેરીના ચોથા માળે પહોંચે તે પહેલા જ બીજા માળે ઢળી પડયો
રાજકોટની પોલીસ કમિશ્નરની કચેરીમાં ચોથા માળે જવા પગથીયા ચડતા જેતપુરના એક કિશોરનું બીજા માળે જ ઢળી પડવાની ઘટના બાદ સારવારમાં મૃત્યુ થતા મુસ્લિમ પરિવારજનોમાં શોક વ્યાપ્યો છે. પોતાને મળેલો મોબાઇલ ફોન પોલીસમાં જમા કરાવવા બાબતે પોલીસના ફોનથી ગભરાઇ ગયેલો કિશોર ગઇકાલે રાજકોટ મોબાઇલ આપવા આવ્યો હતો. પણ પોલીસ સુધી પહોંચી શકયો ન હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના ખાખામઢી વિસ્તારમાં રહેતો આફતાબ અલ્તાફભાઇ શેખ (ઉ.વ.૧૬) ગઇકાલે મિત્ર સોયેબ રફાઇ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરીએ આવ્યો હતો.
અહીં ૩૦૪ નંબરની પોલીસની ચોથા માળે આવેલી ઓફીસમાં પહોચવા સોયેબ અને આફતાબ પગથીયા ચડતા હતા ત્યારે આફતાફ અચાનક બીજા માળે ઢળી પડતા સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ દ્વારા તેમને તાત્કાલીક સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન આફતાબનું મૃત્યુ થયું હતું.
બનાવ બાબતે સોયેબ રફાઇએ કહ્યું કે આફતાબને આજથી અઢી-ત્રણ મહિના પહેલા મોહરમ દરમિયાન એક મોબાઇલ ફોન મળ્યો હતો. આ મોબાઇલના માલિકે પોલીસમાં અરજી કરતાં પોલીસે તપાસ આદરી હતી.
દરમિયાન આ ફોનમાં કોલિંગ દરમિયાન આફતાબનો પોલીસ સાથે સંપર્ક થઇ જતા ગત તા.૮થી આજદિન સુધીમાં સાત-આઠ વાર રાજકોટની પોલીસે આફતાબને મોબાઇલ જમા કરાવી જવા કોલ કરાતા હતા.
સતત પોલીસના કોલિંગથી ગભરાઇ ગયેલો આફતાબ આજે મિત્ર સોયેબને લઇને રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ મોબાઇલ જમા કરાવવા આવ્યો હતો. પણ તે ચોથા માળે પોલીસ સુધી પહોંચી શકયો ન હતો અને બીજા માળે જ ઢળી પડતા અકાળે મૃત્યુને ભેટયો હતો.
આફતાબ હૃદયની બિમારીનો દર્દી હતો
આફતાબ બાબતે વધુ માહીતી આપતા તેમનાં પરિવારજનો તેમજ મિત્રોએ કહ્યું કે, આફતાબને નાનપણથી જ હ્રદયમાં કાણુ હોવાની ગંભીર બિમારી હોવાથી તેને સતત શ્ર્વાસ ચડતો રહેતો હતો. તે વધુ ચાલતો કે પગથીયા ચડતો ત્યારે ખુબ શ્ર્વાસ ચડતો હતો. રાજકોટમાં પણ પગથીયા ચડતા શ્ર્વાસ ચડીને ખુદા પાકની રહેમતમાં પહોંચી ગયાની કણ ઘટના બનીગઇ છે.
મોબાઇલે નોતર્યુ મૃત્યુ: સર્વત્ર શોક
મૃતક આફતાબના પડોશી મિત્ર સોયેબ રફાઇએ કહ્યું કે, આફતાફના મામાના દિકરાભાઇ ફેજલને આજથી અઢી ત્રણ મહિના પહેલા મોહરમ દરમિયાન મોબાઇલ ફોન મળ્યો હતો. જેમની પાસેથી આફતાબે મોબાઇલ લીધો હતો આફતાફે ફેજલ પાસેથી પૈસાથી મોબાઇલ લીધો કે મફતમાં દીધો હતો? તે બાબતે મિત્ર સોયેબે અજાણતા વ્યકત કરી હતી. ટુંકમાં આફતાબના મૃત્યુ માટે મોબાઇલ નિમિત બનતા મુસ્લિમ પરિવારમાં શોક વ્યાપ્યો છે. પોલીસ પાસેથી વિગતો મળી હતી કે, અફતાબ બે બહેનોમાં એકનો એક ભાઇ અને મજુરી કામ કરતો હતો. તેમની એક બહેન વિકલાંગ છે. પિતા અલ્તાફભાઇ પણ મજુરી કામ કરે છે.