હાઇવેની બિસ્માર હાલત અંગે ધારાસભ્ય ભીખાભાઇ જોષીની મુખ્યમંત્રીને રજુઆત
જુનાગઢ તા.૨૬ જ્યાં રોડનું અસ્તિત્વ જ નથી તેવા જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલા જેતપુર – સોમનાથ હાઇવે જ્યાં સુધી રીપેર ન થાય ત્યાં સુધી સુવિધાના નામે ટોલ ટેક્સ ઉઘરાવવાનો સરકારને કોઈ અધિકાર રહેતો નથી, અને જ્યાં સુધી આ રસ્તાનું નવિનીકરણ ન થાય ત્યાં સુધી પ્રજાને ટોલટેક્સ માંથી મુક્તિ આપવા આવે તેવી જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી ભલામણ કરી છે.
જૂનાગઢના ધારસભ્ય ભીખાભાઈ જોશી એ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જેતપુર – સોમનાથ નેશનલ હાઈવે ખૂબ જ બિસ્માર અને જર્જરિત હાલતમાં થઇ જવા પામ્યો છે. આ રોડ ઉપર અમુક જગ્યાએ તો ડામોરનું અસ્તિત્વ જ રહ્યું નથી અને ઠેર ઠેર નેશનલ હાઇવે પર ખાડાઓ છે, ત્યારે આ રોડ ઉપર અનેક અકસ્માતો સર્જાય રહ્યા છે, અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને તેના કારણે વાહન ધારકોને લાખોની કિંમતના વાહનોમાં ભારે નુકસાની થઈ રહી છે, અને શારીરિક તકલીફનો ભોગ બનવું પડે છે. બીજી બાજુ આ રોડ ઉપર સુવિધાના નામે ટોલ નાકા પર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે યોગ્ય છે અને સુવિધાના નામે સરકાર દ્વારા ટેક્ષ ઉઘરાવવાનો કોઈ અધિકાર રહેતો નથી. ત્યારે આ રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે, સાથોસાથ જ્યાં સુધી આ રસ્તાનું નવિનીકરણ ન થાય ત્યાં સુધી પ્રજાને ટોલટેક્સ માંથી મુક્તિ આપવા મુખ્યમંત્રીને ભલામણ કરવામાં આવી છે.