જેતપુર ધારેશ્વર મુકામે આવેલા ટાટા કંપનીના શો રુમના મેનેજરે જુદી જુદી નવ વ્યક્તિઓને ટાટાની કાર માટે બુકીંગની રકમનો ચેક પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી કારની ડીલીવરી ન આપી રુા.29.11 લાખની છેતરપિંડી કર્યાની વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરાજીના શખ્સની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના મેવાસા રોડ પર રહેતા ભૂપતભાઇ નાથાભાઇ જેઠવાએ  ધોરાજીના પારસ ધીરજલાલ ઠુમ્મર સામે પોતાની તેમજ અન્ય આઠ વ્યક્તિઓ સાથે રુા.29.11 લાખની છેતરપિંડી કર્યાની વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નવરાત્રીએ કારની ડિલિવરી આપવાનું કહી બુકીંગની રકમ પોતાના ખાતામાં જમા લઇ મોબાઇલ સ્વીચ ઓફ કરી મેનેજર ફરાર થયાની રાવ

ભૂપતભાઇ જેઠવા પોતાના નાના ભાઇ પ્રવિણ, બનેવી અશોકભાઇ અને પુત્ર અંકિત સાથે જેતપુરના ધારેશ્ર્વર ખાતે ટાટા કારના શો રુમમાં કારની ખરીદી માટે ગયા હતા ત્યારે શો રુમના મેનેજર પારસ ધીરજલાલ ઠુમ્મરને મળ્યા હતા તેઓએ કાર હાજરમાં ન હોવાનું કહ્યું હતું અને બુકીંગ માટે રુા.1.99 લાખ લીધા હતા ત્યાર બાદ કાર પ્રથમ નોરતે આવી જશે બાકીનું પેમેન્ટ ચુકવવી દેવાનું કહી 8.51 લાખનો ચેક કંપનીના એકાઉન્ટના બદલે પોતાના ધોરાજી ખાતેની એક્સિસ બેન્કના ખાતામાં જમા કરાવી દીધો હતો ત્યાર બાદ કારની ડીલીવરી માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને કાર ન આપતા બુકીંગ કેન્સલ કરાવવાનું કહેતા પારસ ઠુમ્મરે રુા. 9 લાખનો ચેક આપ્યો હતો તે બેન્કમાં વટાવવા નાખતા રીટર્ન થયો હતો અને પારસ ઠુમ્મરનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો.

આથી ભૂપતભાઇ જેઠવા ટાટા કારના શો રુમ ખાતે તપાસ કરવા ગયા ત્યારે પરેશભાઇ પરડવા મળ્યા હતા અને પારસભાઇ ઠુમ્મર આવતા ન હોવાનું જણાવ્યું હતું તેમજ તેને કાર બુકીંગના બહાને મિતલબેન મકવાણા સાથે 5.10 લાખ, પંકજભાઇ કયાડા સાથે 2.51 લાખ, વિશાલભાઇ ટોપીયા સાથે1.75 લાખ, જીજ્ઞેશ મેસવાણીયા સાથે 1 લાખ, ઉપેન્દ્રભાઇ કયાડા સાથે 2.51 લાખ, સંદિપભાઇ મલી સાથે 1.50 લાખ, ગૌરવભાઇ ઉઘાડ સાથે 2.34 લાખ અને મહેન્દ્રભાઇ સરધારા સાથે 1.90 લાખની છેતરપિંડી કર્યાનું જણાવ્યું હતું.

વિરપુર પોલીસે ભૂપતભાઇ જેઠવાની ફરિયાદ પરથી ધોરાજીના પારસ ઠુમ્મર સામે રુા.29.11 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી એએસઆઇ જે.એમ.સોલંકીએ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.