પરપ્રાંતિય શ્રમિક ગત સાંજે માછીમારી કરવા ગયાને પાણીનો પ્રવાહ એકાએક વધતા તણાયા: એકનો બચાવ
આજ સવારથી એન.ડી.આર.એફ. દ્વારા બચાવ રાહત કામગીરી હાથધરી
જેતપુરના રબારીકા ગામ પાસે આવેલ પાંચ પરપ્રાંતિય મજૂર ભાદર નદીમાં માછલી પકડવા માટે ગયેલ ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં એકાએક પાણીની પ્રવાહ વધી જતાં પાંચેય યુવાન તણાઇ ગયા. એક યુવાન બહાર નીકળી ગયો જ્યારે ચાર યુવકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
રબારીકા ગામ પાસે સાડીના કારખાનામાં કામ કરતા પાંચ પરપ્રાંતિય કારીગરો ભાદર નદીમાં માછલી પકડવા માટે ગયેલા હતાં. ત્યારે નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી ગયો. જેના કારણે પાંચેય યુવાનો આ પ્રવાહમાં તણાવા લાગ્યા જેમાંથી એક યુવક પાણીના પ્રવાહમાં તરીને બહાર નીકળી ગયો. જ્યારે બાકીના ચારેય યુવાનો તણાઈ ગયાં.
પાણીમાં તણાયેલ યુવકોએ વિશે જેતપુર તાલુકા મામલતદાર ગીનીયાએ જણાવ્યું હતું કે જેતપુરની પ્રશાંત પ્રિન્ટ નામની ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પાંચ શ્રમિકો નિતેશ બ્રિજનાથ સહાની, ગડુ ધનરાજ (ઉ.વ.25), મહેશ આત્મજ (ઉ.વ.19), કુશવાર ભારતી રમાકાંત (ઉ.વ.18) અને અર્જુનકુમાર (ઉ.વ.15) બુધવારે ફેકટરીમાં રજા હોય. માછીમારી કરવા ભાદર નદીએ ગયા હતા અને વરસતા વરસાદમાં નદીમાં ઝંપલાવ્યું હતું. ભારે વરસાદને કારણે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય પાંચેય શ્રમિકો તણાયા હતા જેમાંથી નિતેશ સહાની જેમ તેમ કરીને કિનારે પહોંચી જતા તેનો બચાવ થયો હતો જ્યારે બાકીના ચારેય શ્રમિકો પાણીમાં તણાયા હતા.
આ અંગે મામલતદારે એસડીઆરએફની ટીમે પાણીમાં તણાઈ ગયેલા યુવકોને શોધવા નદીમાં ઉતરવાની જગ્યા શોધી લાઈફ સેવિંગ જેકેટ સાથે બોટ લઈ નદીમાં ઉતર્યા હતાં. અને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ નદી બે કાંઠે વહેતી હોય અને અંધારું પણ થઈ ગયું હોવાથી યુવકોને શોધખોળની કામગીરી બંધ કરવી પડી હતી અને વહેલી સવારથી ફરીથી પરપ્રાંતિય યુવકોને નદીમાં શોધખોળ હાથધરી છે.