નરેન્દ્ર મોદીએ નવલા નોરતાને વૈશ્ચિક ઓળખ અપાવી છે: રાદડીયા
જેતપુર તાલુકા શહેર ખોડલધામ સમિતિ દ્વારા બહેનો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસના રાસ ગરબા મહોત્સવના સમાપન પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા અને અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઇ પટેલની સાકારતુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડીયા માતાજીની આરતીમાં જોડાયા હતા ત્યારબાદ રાદડીયાના હસ્તે જેતપુરના અગ્રણીઓનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે નોરતા એ માતાજીની આરાધના કરવાના દિવસો છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવ ને ઉત્સવ તરીકે ઉજવવા સરકાર પણ પ્રોત્સાહીક વાતાવરણ પૂરુ પાડવા કટિબદ્ધ છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે નવલા નોરતાના મહોત્સવને વિશ્વ લેવલે આગવી ઓળખ અપાવી હતી.
સાકારતુલા પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, જેતપુર નગરપાલિકા પ્રમુખ કુસુમબેન સખરેલિયા, સુરેશ સખરેલિયા, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એશોસિએશન ના પ્રમુખ ભાવિક વૈશ્નવ , ભૂતપૂર્વ મંત્રી જશુબેન કોરાટ, ગોરધનભાઈ ધામેલિયા, જેન્તીભાઇ રામોલિયા તેમજ જેતપુરના અગ્રણી ઉધોગપતિઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં ખોડલધામ સમિતિ જેતપુરના તમામ યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન ગોવિંદભાઈ હીરપરા અને વિપુલ પટેલ તેમજ નવરાત્રિ મહોત્સવનું આયોજન શ્રીદર્શિત રાદડીયા તેમજ ખોડલધામ સમિતિ, વિદ્યાર્થી સમિતિ, મહિલા સમિતિ વગેરે દ્વારા કરાયું હતું.