• બહેનના સાસરિયાએ ઓળખાણ કરાવેલા શખ્સે આવાસ યોજનાનું કામ મળ્યું તેમ કહી છેતરપિંડી આચરી

જેતપુરના નવાગઢમાં રહેતી ત્યકતાને લગ્ન કરવાની લાલચ આપી મૂળ સુત્રાપાડા અને હાલ વાપી રહેતાં કોન્ટ્રાક્ટર ભરત જાદવ નામના શખ્સે રૂ.3.71 લાખ પડાવી છેતરપીંડી આચરતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.બનાવ અંગે નવાગઢમાં બળદેવધારમાં ગણપતિના મંદિરની પાછળ રહેતાં રીધ્ધીબેન નાગવંશી (ઉ.વ.25) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત ભીષ્મા ઉર્ફે ભીખા જાદવ (ઉ.વ.32),(રહે. હાલ દ્વારકેશ હોટલ, વાપી મૂળ, સુત્રાપાડા, ગીર સોમનાથ) નું નામ આપતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેના માતાપિતા સાથે રહી ઘરકામ તથા મજુરીકામ કરે છે. તેમના બિહારી યુવક સાથે થયાં હતા અને સંતાનમાં બે પુત્રી છે. તેણીના પતિ દારૂ પી મારપીટ કરતો હોય જેથી મનમેળ ન રહેતા ઘરમેળે છુટાછેડા લઇ લીધેલ હતા. તેણીની નાની બહેનના લગ્ન સુરત કરેલ છે. તેણીની બહેનના સાસરીયા પક્ષના સગા સબંધી ભીખુભાઈ રામાણી જેતપુર રહે છે અને કાગવડ તેઓ હોટલ ચલાવે છે. ભીખુભાઈ તેણીના ઘરે અવાર-નવાર આવતા જતા હોય જેથી દસેક મહીના પહેલા ભીખુભાઈ રામાણી અને તેની સાથે ભરત જાદવ નામનો માણસ ઘરે આવેલ અને  ઘરના સભ્યોને કહેલ કે, આ ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ રાખે છે અને કોન્ટ્રાકટર છે અને મારી સાથે રહે છે. તેમજ તેણીના માતા-પિતાને કહેલ કે, તમારી પુત્રીને 2 નાની પુત્રી છે, જેથી તેનું ભવિષ્ય સારૂ રહે અને આ ભાઇ કુંવારો પણ છે, જેથી તમારે પુત્રીના લગ્ન બાબતે કોઈ વિચાર હોય તો કહેજો તેમ કહેતાં તેમને વિચારવાનું કહ્યું હતું.

ત્યારબાદ ભરત જાદવ અવાર-નવાર તેણીના ઘરે  સારા કપડા, બુટ અને કાર લઈ આવતો હોઈ જેથી  થયેલ કે, આ કોઇ માન મોભા વાળો સારો માણસ હશે અને તેની સાથે તેણીનું અને દિકરીઓનું ભવિષ્ય સારુ રહેશે જેથી ભરત સાથે ફોનમાં વાતોચીતો કરતી હતી. તેઓ એકાબીજાને પસંદ કરવા લાગેલ અને બંનેને પ્રેમ સબંધ થઇ ગયેલ હતો. ભરત તેણી સાથે લગ્ન પણ કરવાનો છે તેવુ  કહેલ હતું. દરમિયાન વર્ષ 2023 ના ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં આરોપી તેણીના ઘરે આવી  મીઠી-મીઠી વાતો કરી, ભોળવીને કહેલ કે, મને આવાસ યોજનાનું મોટુ કામ મળેલ છે, તેમાં તાત્કાલીક રૂ.3 લાખ ભરવાના છે, તેમ કહેતાં તેને કહેલ કે, અમારી પાસે ત્રણ લાખના હોય, અમે ગરીબ માણસો છીએ, તો તેને કહેલ કે, તારી પાસે સોનાના ઘરેણા હશે તે બેન્કમાં મુકી તેની ઉપર રૂપીયા ઉપાડીને ટેન્ડરના ત્રણ લાખ ભરી દઇશ અને મારુ જેવું બીલ પાસ થાશે એટલે તરત જ રૂપીયા ભરીને તારા ઘરેણા છોડાવી તને પાછા આપી દઇશ, તેવી મીઠી મીઠી વાતો કરતા તેના વિશ્વાસમાં આવી ગયેલ અને તેણીએ પોતાનો સોનાનો સેટ  સાડા ત્રણ તોલાનો રૂ.1.75, સોનાનો ચેઇન રૂ.75 હજાર, સોનાની બુટી રૂ.21 હજાર મળી કુલ રૂ.2.71 લાખના સોનાના દાગીના આરોપીને આપી દિધેલ જેથી તે લઈને જતો રહેલ હતો.

બાદ ગઇ તા.14/12/2023 ના ફરી ભરત તેણીના ઘરે આવેલ અને કહેલ કે, મને જે આવાસ યોજનાનું કામ મળેલ તે કામમાં સિમેન્ટની તથા સળીયાની ગાડી આવેલ છે અને તાત્કાલીક રૂ.1 લાખ આપવાના છે અને જો ગાડી ખાલી નહી થાય તો ગાડીનું બેઠું ભાડુ મારી ઉપર ચડશે, તેમ કહી કગરવા અને રોવા લાગેલ જેથી તેણીએ પોતાના રૂ.50 હજાર અને માતાના બેંક ખાતામાં રહેલ  રૂ.50 હજાર ઉપાડી કુલ રૂ.1 લાખ આપેલ હતા. ત્યારબાદ તે અવાર-નવાર કહેતો કે, મારે તારે સાથે લગ્ન કરવા છે, તું લગ્નની તૈયારી કરવા લાગજે, આપણે બંને થોડા સમયમાં જ લગ્ન કરી લેશું અને લગ્ન પછી જેતપુરમાં કણકીયા પ્લોટમાં મકાન લીધેલ ત્યાં રહેવા જતા રહેશું. તેવી મોટી મોટી વાતો કરી વિશ્વાસમાં લીધેલ અને ત્યારબાદ તા.24/02/2024 ના આરોપી તેણીના ઘરે આવવાનો અને ફેરા લઇ લગ્ન કરવાનો હતો. જેથી તેણીએ સગા સબંધીને પણ બોલાવેલ હતા. પણ તે દિવસે ભરત આવેલ નહિ અને ફોન કરી મારી ભાણીનું એકસીડન્ટ થયેલ છે હું જુનાગઢ સીવીલમાં છું, તેમ કહી લગ્ન કરવા આવેલ ન હતો. ત્યાર બાદ તેણીના ફોન પણ ઉપાડતો ન હતો અને ઘરે પણ આવતો ન હતો.

જેથી ફરિયાદી આરોપીના ગામડે તેના ઘરે પણ ગયેલ હતા પણ ત્યાં તે હાજર ન હતો. તેણીએ આરોપીને આપેલ સોનાના દાગીના અને રોકડ રૂ.1 લાખ પાછા આપેલ નથી અને તેની માંગણી કરે તો અવાર નવાર તે મારૂ બીલ પાસ થયુ નથી. બીલ પાસ થશે એટલે તારા બધા રૂપીયા આપી દઈશ અને દાગીના પણ છોડાવીને આપી દઈશ. તેવા અવાર-નવાર ખોટા વાયદા કરી છેતરપીંડી કરી મારો વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

ફેરા ફરવાના દિવસે  મુરતિયો ન આવ્યાં

જેતપુરના નવાગઢમાં રહેતી ત્યકતાએ મૂળ સુત્રાપાડા પંથકના કોન્ટ્રાક્ટ સાથે આંખ મળી ગયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં કોન્ટ્રાક્ટરે તેનો ગેરલાભ લઈ દાગીના અને રૂપિયા પડાવી લીધાં બાદ બંનેએ ફેરા ફરવાની તારીખ નક્કી કરી હતી. સમય મુજબ ઘરે પ્રસંગ હોય મહેમાનો પણ આવી ગયાં હતાં. પરંતુ ફેરા ફરવાના દિવસે જ આરોપી ફરી ગયો અને તે ન આવતા પરીવાર અને મહેમાનો આઘાતમાં સરી પડ્યાં હતાં.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.