ભાડલાની તરૂણીને જામનગર લઇ જઇ પ્રેમીએ આચર્યુ દુષ્કર્મ
અબતક,રાજકોટ
જેતલસર જંકશનની ત્યકતા પર વિરપુરમાં જેતપુરના વેપારીએ બળાત્કાર ગુજાર્યાની અને ભાડલાની તરૂણીને તેના જ ગામના શખ્સે પ્રેમ ઝાળમાં ફસાવી જામનગર લઇ જઇ દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતલસર જંકશન ગામે પિયર રહેતી ત્યકતાએ ડ્રેસનો ધંધો કરવા માટે પોતાની બહેનપણીનો સંપર્ક કરતા તેણીએ જેતપુરના વેપારી ધર્મેશ જીવરાજભાઇ વઘાસીયાનો સંપર્ક કરાવ્યો હતો.ધર્મેશ વઘાસીયાએ ત્યકતાને વિરપુરના ગેસ્ટ હાઉસમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પિડીતાને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળે છે.
જયારે જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતી 17 વર્ષની તરૂણીને તેને જ ગામના અક્ષય ગભરૂ સોલંકી અને કુલદીપ દિલા સોલંકીએ પ્રેમ ઝાળમાં ફસાવી બાઇકમાં જામનગર લઇ જઇ અક્ષય ગભરૂ સોલંકીએ બે વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.