સમાધાન કરવા બોલાવી યુવતીના પિતા સહિતનાઓ ભૂકી છાંટી ધોકા-પાઇપ વડે તૂટી પડ્યા
જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા દંપતિએ ચાર માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા બાદ પ્રેમિકાના પિતાએ સમાધાન કરવા બંનેને જેતપુર બોલાવી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દંપતી પર પરિણીતાના પિતા સહિતનાઓએ ભૂકી છાંટી ધોકા-પાઇપ વડે તૂટી પડતા બંને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કલ્યાણપુર ગામે રહેતા શૈલેષ લક્ષમણભાઈ સાંબડ (ઉ.વ.૨૩) નામના યુવાને ચાર માસ પહેલા જેતપુર રહેતા અરજણ ભૂરા ડાભીની પુત્રી શ્રુતિ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા.
ત્યાર બાદ છેલ્લા કેટલાક દિવસથી શ્રુતિના પરિવારજનોએ શૈલેષ અને શ્રુતિ સાથે વાતચીત ચાલુ કરી હતી. ત્યાર બાદ શ્રુતિના પિતા અરજણએ બંનેને સમાધાનના બહાને જેતપુર બોલાવ્યા હતા. જ્યાં શૈલેષ અને શ્રુતિ પર અરજણ, લાભુ, મનીષાબેન, યોગેશ અને જયદીપ સહિતનાઓએ દંપતી પર ભૂકી છાંટી ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે તૂટી પડ્યા હતા. જેથી ઘવાયેલા દંપતીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ઘટનાની જાણ થતાં જેતપુર સીટી પોલીસનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શૈલેષ કારખાનામાં મજૂરી કામ કરે છે અને ચાર માં પહેલા શ્રુતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનો ખાર રાખી શૈલેષના સાસરિયા પક્ષના લોકોએ માર માર્યો હોવાનુ સામે આવ્યું છે.